ડીસા નગરપાલિકાના કર્મચારીઓની અચાનક હડતાલ : કામકાજમાં વિક્ષેપ કરતા હોવાનો આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

પૂર્વ કોર્પોરેટર મનઘડંત રીતે ભ્રષ્ટાચારના આરોપ લગાવી કામકાજમાં વિક્ષેપ કરતા હોવાનો આક્ષેપ: ડીસા નગરપાલિકાના કર્મચારીઓ- અધિકારીઓએ આજે કામકાજથી અળગા થઈ પેનડાઉન હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો. પાલિકામાં પૂર્વ કોર્પોરેટર દ્વારા અધિકારીઓ કર્મચારીઓ સામે મનઘડંત રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવી કામકાજમાં વિક્ષેપ ઉભા કરતા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ હડતાલ કરી હતી. જ્યારે પૂર્વ કોર્પોરેટરે પોતે અરજદાર તરીકે રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટરો તેમજ પૂર્વ કોર્પોરેટરો દ્વારા પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સામે મનઘડંત રીતે ભ્રષ્ટાચારના કે કામકાજ વ્યવસ્થિત રીતે થતું ન હોવાના આક્ષેપો કરવામાં આવતા હોવાથી અનેક વખત અધિકારીઓ અને રજૂઆત કરનાર વચ્ચે તું..તું.. મેં..મેં..થાય છે. દરમિયાન આજે પાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રશાંત માળી દ્વારા કોઈ બાંધકામ બાબતની રજૂઆત અર્થે ચીફ ઓફિસરના ચેમ્બરમાં ધસી આવી વિડીયો શુટીંગ કરવા લાગતા તેમજ તેમની સામે બેફામ રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ચીફ ઓફિસરે તેઓને યોગ્ય રીતે રજૂઆત કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ ચીફ ઓફિસરે જુનિયર ટાઉન પ્લાનર ઓફિસરને બોલાવતા પૂર્વ કોર્પોરેટરે તેમની સામે પણ આક્ષેપબાજી શરૂ કરી હતી. જેથી ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ બંને વચ્ચે ચકમક થઈ હતી. ત્યારબાદ આવા બનાવો છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બનતા હોય તેમ જ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સામે ખોટી રીતે આક્ષેપો થતા હોય પાલિકાના કર્મચારી મંડળ દ્વારા આ બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરી એક દિવસની પ્રતિક હડતાલ કરવાનો નિર્ણય લઈ પેનડાઉન કરી ઓફિસ સમય સુધી કામકાજથી અળગા રહ્યા હતા.બપોરે પોણા બે વાગ્યાના સુમારે કર્મચારીઓની અચાનક હડતાલ થતા કચેરીમાં કામકાજ અર્થે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.

આ અંગે પાલિકામાં રજૂઆત કરવા આવનાર પૂર્વ કોર્પોરેટર પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે, “હું એક અરજદાર તરીકે રજૂઆત કરવા આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામ બાબતે રજૂઆત કરી હતી. જેની નગરપાલિકાએ કોઈ પરવાનગી આપી નથી તેમ છતાં અધિકારીઓ કર્મચારીઓના ભ્રષ્ટાચારના લીધે કામકાજ થઈ રહ્યું છે તેવી રજૂઆત કરતા ચીફ ઓફિસર પોતાની ખુરશી પરથી મારવા ધસી આવ્યા હતા અને આ રીતે એક અરજદારનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી.”

જ્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, “આજે રજૂઆત કરવા આવેલા અરજદારે અનઅધિકૃત રીતે કેમેરો ચાલુ રાખી અચાનક ધસી આવી બેફામ રીતે આક્ષેપો કરવા લાગતા તેમની રજૂઆત પ્રત્યે સંતોષકારક જવાબ આપ્યો હતો. પરંતુ તેઓ પાલિકાના કર્મચારીઓ સાથે રીતસર ઝઘડવા જ આવ્યા હોય તેવું બેહુદુ વર્તન કરી રહ્યા હતા. તેમજ છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ કર્મચારીઓ સામે આ રીતે મનઘડંત રીતે આરોપો લગાવવામાં આવતા હોવાથી કર્મચારીઓનું મોરલ ડાઉન થતું હોવાથી આજે કર્મચારી મંડળે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.