પાલનપુર ખાતે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદ્યતન લાઈબ્રેરીને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ખુલ્લી મૂકી
બનાસકાંઠાના દેવી પૂજક સમાજમાં જાગી શિક્ષણની ભૂખ, પાલનપુર ખાતે લક્ષ્ય રીડિંગ લાઈબ્રેરી સાંસદના હસ્તે ખુલ્લી મુકાઈ; જિંદગીભર લારીઓ ખેંચી શાકભાજી વેચી પેટિયું રળતા દેવી પૂજક પટણી સમાજમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે. ત્યારે આજે પાલનપુર ખાતે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદ્યતન લાઈબ્રેરીને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ખુલ્લી મૂકી હતી.
શિક્ષણનું પ્રમાણ વધતા વિવિધ સમાજો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. ત્યારે નાના અને ગરીબ સમાજમાંથી આવતા દેવી પૂજક પટણી સમાજને પણ હવે શિક્ષણનું મહત્વ સમજાયું છે. ત્યારે દેવીપૂજક સમાજ પણ શિક્ષિત બની વિકાસ સાધે તેવા હેતુથી પાલનપુર ખાતે સમાજના યુવાનો માટે અદ્યતન લાઈબ્રેરી બનાવવામાં આવી છે. જેને આજે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ખુલ્લી મૂકી હતી.
આ પ્રસંગે સાંસદ મયંક નાયકે લક્ષ્ય રીડિંગ લાઈબ્રેરી થકી દેવી પૂજક સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાનું લક્ષ્ય હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, પૂર્વ પી.આઇ. એસ.એમ. પટણી, આરટીઓ ધર્મેશભાઈ એલ.પટણી, રાહુલભાઈ પટણી સહિત સમસ્ત પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુ ઓ ઉપસ્થિત રહ્યા હતા.