બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ મગફળી લેવાનું શરૂ : ૨૨ હજાર હેક્ટરમાં વાવેતર

બનાસકાંઠા
બનાસકાંઠા

સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ડીસા બટાટા નગરીની સાથે હવે મગફળીનુ પણ હબ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનુ વાવેતર થાય છે ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં ૨૨૨૮૨ હેક્ટરમાં વાવેતર થયું હતું જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. ડીસાના માર્કેટયાર્ડમાં સપ્તાહના શરૂઆતના પ્રથમ દિવસે જ ૨૫૦૦ બોરીની આવક થઈ હતી. જેમાં ખેડુતોને ઉંચામાં ઉંચો ભાવ ૧૨૧૧ રૂપિયા મળ્યા હતા. જયારે નીચા ભાવ ૧૦૦૦ રૂપિયા રહ્યા હતા જાેકે સરેરાશ મગફળી નો પ્રતિમણ ૧૧૫૦ રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા.દરમિયાન સીંગતેલના ડબા નો ભાવ ભડકે બળી રહ્યો છે પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે જેથી ખેડૂતો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ડીસામાં ઉનાળુ મગફળીનું સૌથી વધુ વાવેતર
બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ૨૨ હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ ૯૩૦૮ હેકટર જમીનમાં વાવેતર થયેલ છે. આ ઉપરાંત વડગામમાં ૪૭૭૧, પાલનપુરમાં ૩૮૦૫, દાંતીવાડામાં ૩૦૯૬, અમીરગઢમાં ૫૫૨, દાંતામાં ૩૭૯, લાખણીમાં ૧૪૫, દિયોદરમાં ૯૧, કાંકરેજમાં ૬૮, ધાનેરામાં ૪૯,અને ભાભરમાં ૧૭ હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે.

ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક ૧ લાખથી વધુ મગફળી બોરીની આવક
ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ નો માલ ની આવક માં નંબર આવે છે જેમાં ડીસા માર્કેટયાર્ડ માં ચોમાસુ સિઝન માં મગફળી ની દૈનિક એક લાખથી વધુ બોરીઓ જ્યારે ઉનાળુ સિઝન માં દૈનિક ૫૦ હજાર થી વધુ બોરી ની આવક થતી હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.