
ડીસા બસ સ્ટેન્ડ ખાતે કામ કરતા STકર્મચારીઓ માટે રહેવા-જમવાની ખાસ વ્યવસ્થા કરાઈ
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે મધ્યાહને પહોંચ્યો છે ત્યારે ડીસા બસ સ્ટેન્ડમાં આવતા કોઈપણ બસ કંડકટર કે ડ્રાઇવરને તકલીફ ન પડે તે માટે ડેપો પર ચા નાસ્તાની, જમવાની અને સુવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.ભાદરવી પૂનમના મહામેળાને લઇ ફરજ બજાવતા બસ કંડકટર અને ડ્રાઇવરો પણ 24 કલાક તેમની ડ્યુટી બજાવે છે. ત્યારે રાત દિવસ કામ કરતા બસ કર્મચારીઓને કોઈ જ તકલીફ ન પડે તે માટે ડીસા સ્ટેન્ડ પર તેમના માટે રહેવાની જમવાની અને સુવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડીસા બસ ડેપો મેનેજર સોનલબેન પટેલ અને વિવિધ દાતાઓની મદદ થકી ડેપો પર 100થી વધુ બસ કંડક્ટરો અને ચાલકો એક સાથે આરામ કરી શકે તે માટે પથારીની વ્યવસ્થા કરી છે. સાથે જ તેઓને તાજુ ભોજન મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરી દિવસ રાત કામ કરતા અને થાકીને આવતા બસ કંડક્ટરને આરામ મળી શકે.આ અંગે કર્મચારી કિરણભાઈ દવેએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મહામેળામાં બસ વિભાગના તમામ ડ્રાઇવરો અને કંડક્ટરો 24 કલાક ફરજ બજાવે છે. ત્યારે ડીસા ડેપોમાં આવતા કોઈપણ કર્મચારીને અગવડ ન પડે અને આરામ કરી શકે તે માટે જમવાની અને ચા નાસ્તાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.