
પાલનપુરની શાળામાં 20 મિનિટ ચાલતી પ્રાર્થના સભા બંધ કરાવવા સામાજિક તત્વોનો હોબાળો
પાલનપુરના ઢુંઢિયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયત સંચાલિત એસ.એન. કોઠારી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 16 શિક્ષકોનો સ્ટાફ છે. 500થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જેમાં 150 થી 175 બાળકો મુસ્લિમ સમાજના પણ છે. શાળામાં સરકારી નિયમો મુજબ રોજ 20 મિનિટની પ્રાર્થના સહિતની એક્ટિવિટી કરાવવામાં આવે છે.
ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ શાળામાં આવી પ્રાર્થના બંધ કરવા હોબાળો મચાવી દીધો હતો. સંગીત શિક્ષક મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું. ” આજે સોમવારે સવારે પ્રાર્થના હોલની બારીમાં આવીને પ્રાર્થના બંધ કરો તેવી ઉગ્ર રજૂઆત સાથે જેમ તેમ બોલીને શિક્ષકોને પરેશાન કરવામાં આવેલા છે. સરકારના નિયમ પ્રમાણે પ્રાર્થનામાં ઘડિયા ગાન સહિતની પ્રવુતિઓ કરીએ છીએ. આજે આ પ્રકારની હરકતથી બાળકો પણ ડગાઈ ગયા હતા. અવારનવાર આવી હરકતોથી કંટાળી શાળાના આચાર્ય દ્વારા આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.
લેખિત રજૂઆત મુજબ “અમારી પ્રાથમિક શાળામાં ગેમરપુરા તાજપુરા તેમજ ઢુંઢીયાવાડી વિસ્તારના હિંદુ મુસ્લિમ પરિવારના બાળકો 500થી વધુની સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવે છે. આ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે નિયમિત પ્રાર્થના થાય છે અને શાળાના બાળકો એમાં સુર પુરાવે છે. જોકે શાળાની જ બાજુમાં રહેતા કેટલાક લોકોને આ ગમતું નથી અને પ્રાર્થના બંધ કરાવવા માટે આવી જાય છે. અને આવીને શાળા સ્ટાફને જેમ તેમ બોલી જાય છે તેની સામે અમારો વાંધો છે. અમે આ મામલે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત કરી ધ્યાન દોર્યું છે.