
પાલનપુરમાંથી સ્માર્ટ વીજચોરીના નેટવર્કનો પર્દાફાશ
પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ સપાટો બોલાવતા વીજચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પાલનપુર સીટી સર્કલમાં વીજ કંપનીની ૧૫ જેટલી ટીમોએ સઘન ચેકીંગ હાથ ધરતા ૩૫ વીજધારકો સ્માર્ટ વીજચોરી કરતા ઝડપાઇ ગયા હતા. જેઓને રૂ.૭૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં વીજમીટર સાથે ચેડાં કરી વીજ ચોરી કરી વીજકંપનીને રૂ.૧૪.૫૦ લાખનું નુકસાન કરવા બદલ ૧૬ લોકો સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પાલનપુર પંથકમાં વીજચોરોને રૂ. ૨ થી ૩ કરોડનો દંડ ફટકારવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેઓની સામે ૧૩૫ મુજબની ફરિયાદ કરી અંદાજે રૂ.૭૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલનપુર પંથકમાં પણ વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.
વીજ ચોરીમાં નાના અને મધ્યમ વર્ગના જ વીજ ધારકો નહિ પરંતુ ઔદ્યોગિક એકમો સહિત બબ્બે ત્રણ ત્રણ એસી ધરાવતા માલતુજારોની પણ વીજ ચોરીમાં સંડોવણી સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ઉત્તર ગુજરાત વીજકંપનીના પાલનપુર પેટાવિભાગની કચેરીના નાયબ ઈજનેર કિરણભાઈ એન.પટેલે “રખેવાળ” સાથે ની મુલાકાતમાં જણાવ્યા મુજબ, પાલનપુર સીટી વિસ્તારમાં ૧૫ ટિમો થકી સઘન ચેકીંગ હાથ ધરી વીજચોરો સામે રીતસરની તવાઈ હાથ ધરી છે. જેમાં વીજમીટરનું સિલ તોડી સર્કિટ સાથે ચેડાં કરી સ્માર્ટ વીજચોરી કરતા ૩૫ જેટલા વીજધારકો ઝડપાયા હતા.
પાલનપુર રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં ૧ જૂન ૨૦૨૩ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી વીજ ગ્રાહકોના વીજ મીટરનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વીજ મીટરની પેટી પર લગાવેલું સીલ તોડી અંદર વીજ મીટરની બોડી સાથે ચેડાં કરી વીજ મીટરની ઇલેક્ટ્રોનિક્સ સર્કિટમાં ચેડાં કરાયા હતા. જેમાં વીજ પાવરનો વપરાશ વીજમીટરમાં નોંધાતો અટકાવી વીજ ચોરી કરતા ૧૫ જેટલા વીજ ધારકો ઝડપાયા હતા. જાેકે, વીજ ઉપકરણોને નુકસાન કરી વીજ ચોરી કરી વીજ કંપનીને રૂ.૧૪.૫૦ લાખનું નુકસાન થતા નાયબ ઇજનેરે પાલનપુર પોલીસ મથકે ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.