ડીસાના બટાકાના વેપારી સાથે છેતરપિંડી કરનાર કડીના વેપારીને છ માસની કેદ : 2.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
ડીસાના બટાકાના વેપારી પાસે મૂળ ડીસા વતની અને કડી ખાતે શાક માર્કેટમાં બટાકાનો વેપાર કરતા શખ્સ દ્વારા બટાકા ખરીદી તેના બાકી લેણા પેટે ચેક આપી બીજા દિવસે તે ચેક ખોવાઈ ગયા હોવાની છાપામાં નોટિસ આપી છેતરપિંડી કરવાનો કારસો રચનાર શખ્સને ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ચેક રીટર્ન કેસમાં છ માસની કેદની સજા અને વેપારીને રૂપિયા 2.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે ડીસાના ઇન્દિરા ગાંધી ભવનમાં તેજાજી મોતીજી પરમાર માળી નાગેશ્રી ટ્રેડિંગ કંપનીના નામથી બટાકાનો વેપાર કરે છે. તેઓની પાસેથી વર્ષ 2016માં મૂળ ડીસા શેરગંજ રાજપુર ખાતે રહેતા અને કડી શાક માર્કેટમાં મહાદેવ આલુ ભંડારના નામથી વેપાર કરતાં રમેશભાઇ હરચંદજી ગેલોત તેજાજીની પેઢીને આવી બટાકા ખરીદવા જણાવ્યું હતું. જેથી તેઓએ ઓળખ આપવા જણાવતા મુકેશકુમાર ગંગારામ પઢિયારે સારી રીતે ઓળખતા હોવાનું જણાવી ધંધો કરવા જણાવ્યું હતું.
જેમાં રમેશભાઈએ તેજાજી પાસેથી બે માસમાં કુલ રૂ. 17,02,881ના બટાકાની ખરીદી કરી હતી. જેમાં તેઓએ રૂ.4,56,000/- રોકડમાં ચૂકવ્યા હતા અને બાકીની રકમ રૂ. 12,46,881 ચૂકવવા માટે આદર્શ કો.ઓ.બેંક લિ.ડીસા શાખાના રૂપિયા બે બે લાખના કુલ છ ચેક મળી રૂ. 12 લાખના અલગ અલગ તારીખના ચેક આપ્યા હતા. ત્યાર બાદ રમેશભાઈએ તા.14/04/2017ના રોજ આ તમામ ચેક ગુમ થયાની જાહેરાત છાપામાં આપી હતી. તે બાબતે ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.
જેથી રમેશભાઈએ તેજાજી ને પૈસા ન ચૂકવવા પડે તેવો કારસો રચી દીધો હતો. જે બાદ તેજાજીએ રમેશભાઈ એ આપેલા આપેલા ચેકમાંથી તા.14/6/2017ના રોજ રૂપિયા 2 લાખનો ચેક આરબીએલ બેંક ડીસા શાખામાં જમા કરાવતા ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો. જેથી રમેશભાઈના વ્યવસાય અને રહેણાંકના સરનામે કાનૂની નોટિસ જારી કરી ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતા ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એચ.એસ. ચાવડાએ બંને પક્ષોની દલીલોને સાંભળી હતી. જેમાં ફરિયાદી તરફે વકીલ એચ. જે.સુમરાની દલીલો ગ્રાહ્ય રાખી રમેશભાઈ હરચંદજી ગેલોતને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાન ઠેરવી છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ફરિયાદી તેજાજી માળીને રૂપિયા 2.50 લાખ વળતર પેટે ચૂકવવા અને વળતરના ચૂકવે તો વધુ એક માસની સાદી કેદનો પણ ન્યાયધીશે આદેશ કર્યો હતો.