સેસન્સ કોર્ટનો ચુકાદો : અમીરગઢ ચેકપોસ્ટ પરના NDPS ના 2 કેસમાં 10 અને 20 વર્ષની સખત કેદની સજા
પાલનપુરની એડિશનલ સેસન્સ કોર્ટનો ચુકાદો, અમીરગઢ ચેક પોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન 2020-21 માં ઝડપાયું હતું ચરસ
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર 2020 અને 2021 માં માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઇ હતી. જે કેસમાં પાલનપુરની એડિશનલ સેસન્સ કોર્ટે બે અલગ અલગ કેસમાં 10 વર્ષ અને 20 વર્ષની સખત કેદની સજા કરી છે.
અમીરગઢ ચેક પોસ્ટ પર ગત 17 ઓગસ્ટ 2020 ના રોજ સ્વીફ્ટ કારમાંથી રૂ.4.86 લાખનું 3.242 કિલોગ્રામ ચરસ મળી આવ્યું હતું. જે કેસમાં પાલનપુરની એડિશનલ કોર્ટમાં સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતે 41 દસ્તાવેજી તથા 10 મૌખિક પુરાવા રજૂ કરી ધારદાર દલીલો કરતા એડિશનલ સેસન્સ કોર્ટના જજ અમિત કાનાણીએ મુંબઈના એન્સ્ટોન ફોસ્ટિન અને ફોસ્ટિન લિગોરી ડીકોને તકસીરવાન ઠેરવી આરોપી બાપ-બેટાને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.બે-બે લાખનો દંડ ફટકાર્યો હતો.
જ્યારે અમીરગઢ ચેક પોસ્ટ પરથી 17 ફેબ્રુઆરી 2021 માં ઇનોવા કારમાંથી રૂ.5 લાખની કિંમતનું 3.354 કિલોગ્રામ ચરસ મળી આવ્યું હતું. જે કેસમાં પાલનપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ દિપકભાઈ પુરોહિતે 54 દસ્તાવેજી પુરાવા તથા 9 મૌખિક પુરાવા રજૂ કરી ધારદાર દલીલો કરતા ન્યાયમૂર્તિ અમિત કાનાણીએ આરોપીઓ પંજાબના સુખપ્રીતસિંહ ઉર્ફે સુમિત સિકંદરસિંઘ રહે.મોહાલી , પંજાબ અને હિમાચલ પ્રદેશના કુલ્લુના અવિનાશ ઠાકુરને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂ.બે-બે લાખના દંડની સજા કરી છે.
આમ, અમીરગઢ પોલીસના એનડીપીએસના બે અલગ અલગ કેસમાં કોર્ટે 10 અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.
માદક દ્રવ્યોની વધતી જતી હેરાફરી ચિંતાજનક: બનાસકાંઠા જિલ્લામાંથી સમયાંતરે માદક દ્રવ્યોની હેરાફેરી નો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિ અને ફિલ્મી ફેશનને લઈને યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું હોવાની બુમરાણ મચી છે. જિલ્લામાં પણ દારૂ- જુગાર સાથે યુવાનોમાં ડ્રગ્સની લત વધતી જતી હોવાની રાવ ઉઠી છે. નવરાત્રિમાં સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ ને લઈને ડ્રગ્સનું વેચાણ વધવાની સાથે હપ્તા વધારવા માટેની પેરવી હોવાના ગંભીર આક્ષેપો ખુદ મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યા હતા. તેઓએ ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા ડ્રગ્સના વધતા જતા ચલણને લઈને તેઓએ ગૃહમંત્રી ના રાજીનામાંની માંગ કરી હતી.