થરા તથા આજુબાજુમાં અષાઢના દિવસે મેઘો મનમૂકીને વરસ્યો : પ્રિ-મોન્સુન પ્લાનના ધજાગરા
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાના થરા સહિત આજુબાજુના વિસ્તારમાં અષાઢના અંતિમ દિવસોમાં મેઘરાજાએ ચૌદસના બપોરે ભારે ધબડાટી બોલાવતાં ખેડૂતો-પશુ પાલકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી તો કાળઝાળ ગરમી બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો. શનિવારે અષાઢ વદ ચૌદસના મેઘરાજાની પધરામણી થી શ્રાવણ માસ સારો રહેશે તેવી લોકોમાં આશા બંધાઈ હતી એકંદરે કાંકરેજના થરા આજુબાજુમાં વરસાદ નહી થતાં કાળઝાળ ગરમી બફારાની સ્થિતિથી લોકો કંટાળેલા જોવા મળ્યા હતા તો ગઇકાલે બપોરના સમયે દશામાં વ્રતનો પૂજાપો દશામાની સાંઢણી સાથેની મૂર્તિ ફરાળની ખરીદીમાં બજારમાં મેળા જેવો માહોલ હતો.
ત્યાં આ બધા વચ્ચે પશ્ચિમ દક્ષિણ દિશામાંથી બપોરના સુમારે કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યાં હતાને બપોરે એક બે અઢી વાગ્યાના સુમારે વરસાદ તૂટી પડયો. વરસાદી માહોલથી ખેડૂતો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી તો અબોલ જીવો પણ વરસાદના પાણીમાં નાના ભૂલકાઓ સાથે મોજ કરતા જોવા મળ્યા હતા. એકંદરે કાંકરેજ તાલુકાના થરા આજુબાજુમાં મોડાં મોડા વરસાદ પડતાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો છે. લોકોએ કાળઝાળ ગરમી બફારાથી છુટકારો મળશે તેવો રાહતનો દમ લીધો છે.
નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.તો નેશનલ હાઇવેના રેઢિયાળ તંત્રના કારણે ગટરની સફાઈ નહીં થતાં પ્રિ-મોન્સુન પ્લાનના ધજાગરા ઉડ્યા હતા. લોકો વાહન ચાલકો ગટરના ગંદા પાણીથી ભારે હેરાન દેખાતા હતા.