
ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન દવે ઉપ-પ્રમુખ તરીકે શૈલેશ રાજગોરની વરણી
ડીસા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર સર્વાનુમતે ચૂંટાયા હતા.ડીસા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી આજે નગરપાલિકાના સભાગૃહ ખાતે નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ડીસા પાલિકામાં હાલ ભાજપના 27, બે કોંગ્રેસ તેમજ 15 અપક્ષ સભ્યો ચૂંટાયેલા છે. નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે સામાન્ય મહિલા અનામતની બેઠક હોય પ્રમુખ તરીકે કોણ બેસશે તેને લઈને તેજ અટકલો ચાલી રહી હતી. જ્યારે શાસક પક્ષના સભ્યોમાં પણ બે જૂથ પડી ગયા હતા.
ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાતા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરનું મેન્ડેટ આપ્યું હતું. જેથી પ્રમુખ સંગીતાબેન દવેના નામની દરખાસ્ત વર્તમાન પ્રમુખ રાજુભાઈ ઠક્કરે કરી હતી. જેને સવિતાબેન હરિયાણીએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરના નામની દરખાસ્ત શૈલેષ પ્રજાપતિએ કરી હતી. જેને ચેતન ત્રિવેદી એ ટેકો આપ્યો હતો. જ્યારે વિપક્ષમાંથી કોઈ પણ નામ ન આવતા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ રાયગોરને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા.