ઝાબડીયા ગામમાં ચાતુર્માસ પ્રવેશ અંતર્ગત ગુરુ ભગવંતોનું સામૈયું
ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં તેમના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભગવંત ગુરુ મહરાજોનું ૩૦૦ દીકરી દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને શાળાના ૫૦૦ થી વધુ છોકરાઓ હાથમાં ખાંડ લઈને ચાલતા હતા સાથે નાસિક ઢોલના સુરો સાથે સ્વાગત કરાયું હતું. ચાતુર્માસ દરમ્યાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પધરામણી શૈલેષભાઈ શાહના ઘર આંગણે કરવામાં આવી છે. જેને લઈ સમગ્ર ગામમાં ભવ્ય રેલી નીકળી હતી અને ઠેરઠેર મહારાજ સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજુ-બાજુના દરેક ગામના તમામ સરપંચ તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, મંદિરો જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી સંસ્કારોને નષ્ટ નાબૂદ કોઈ કરી શકવાનું નથી. બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. તેમાં તમામ ગામના લોકો સાથે સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગામ પરગામના દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને આવેલા તમામ મહેમાનોનું પણ સ્વાગત કરાયું હતું. ગુરુ ભગવંત મહારાજ સાહેબને આવકારવા મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહેલ અને સર્વ ગ્રામજનોમાં આનંદ ઉત્સાહ ચરસીમાએ જોવા મળ્યો હતો.