
બ્લેકલિસ્ટ કંપની મોહિની કેટરર્સનાં બોક્સમાં મોહનથાળનું વેચાણ : પ્રસાદમાં ફરી ભેળસેળનો પ્રશ્ન ઉદભવે તો જવાબદાર કોણ?
ભાદરવી પૂનમના મહામેળામાં અગાઉ મોહનથાળ પ્રસાદમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ નિષ્ફળ થતાં મોહનથાળનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારે મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ કંપની પર અનેક સવાલો ઉઠ્યા હતા અને અંબાજી મંદિરના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરી હતી. ત્યાર બાદ હવે ફરી મોહનથાળ પ્રસાદ વિવાદમાં આવ્યો છે. હાલમાં અંબાજી મંદિરમાં મોહન થાળ બનાવવાની કામગીરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે મંદિરમાં વેચાણ થતા મોહનથાળના બોક્સ મોહિની કેટરર્સના વાપરવામાં આવી રહ્યાં છે.અંબાજી મંદિરમાં વેચાણ થતા મોહનથાળનો મામલો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળનું જે વેચાણ થઈ રહ્યું છે તે બનાવવાની કામગીરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે વેચાણ થતા મોહનથાળના બોક્સ મોહિની કેટરર્સના વાપરવામાં આવી રહ્યા છે. જે ગુજરાત NSUI મહામંત્રી નીતિન ડાકાની નજરે પડતા મંદિરના વહીવટ સામે સવાલો કર્યા છે.
ગુજરાત રાજ્યના NSUI મહામંત્રી નીતિન ડાકાએ જણાવ્યું હતું કે, કરોડો લોકોની આસ્થા અંબાજી મંદિર સાથે જોડાયેલી છે. ત્યાં આવતા તમામ માઇ ભક્તો માતાજીનો પ્રસાદ મોહનથાળ લેતા હોય છે. ત્યારે આ બ્લેકલિસ્ટ કંપની મોહિની કેટરર્સના બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વેચાણ થઈ રહ્યું છે. જો ફરી મોહનથાળ પ્રસાદમાં ફરી ભેળસેળનો કોઈ પ્રશ્ન આવશે તો તેની જવાબદારી કોણ લેશે. જે બોક્સમાં મોહનથાળ આપવામાં આવે છે તે માટે જવાબદાર મંદિર ટ્રસ્ટ કે પછી બ્લેકલિસ્ટ મોહિની કેટરર્સ હશે તેનો ખુલાશો વહીવટી તંત્ર આપે.NSUIમહામંત્રીએ અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સાથે ટેલિફોનિક વાતચીત જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં હાલ પણ મોહિની કેટરર્સના બોક્સમાં મોહનથાળનો પ્રસાદ વેચાણ થઈ રહ્યો છે. આ બાબતે મંદિરના વહીવટદાર તરીકે તમને ખ્યાલ છે જે તમને ખ્યાલ છે તો આ ગંભીર બાબત છે તેની નોંધ તમારે લેવી જોઈએ. ત્યારે મંદિરના વહીવટદારે પ્રતિ ઉત્તર આપતા કહ્યું હતું કે, એ અમારો વિષય છે અને અમે જોઈ લઈશું તેવું કહેતા ફોન કાપી નાખ્યો હતો.