સાબરકાંઠાની બી.જેડનો રેલો પાલનપુર પહોંચ્યો બ્રાન્ચને ખંભાતી તાળાં
બનાસકાંઠાના રોકાણકારો પણ રાતા પાણીએ રોયા હોવાની આશંકા
ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના આર્થિક કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. તગડા વ્યાજની લાલચ આપી અનેકોને બાટલીમાં ઉતારનાર બીઝેડ ગ્રુપની બ્રાન્ચ પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે. જોકે, કૌભાંડનો પર્દાફાશ થતા પાલનપુર અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે બી ઝેડ ગ્રૂપની ઓફીસને તાળા મારી સંચાલક ફરાર થઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CIDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં CID ક્રાઇમની ટીમે પોન્ઝી સ્કીમ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરી છે. છેલ્લા એક મહિનાથી અલગ- અલગ સ્થળોએ સર્વેલન્સ ગોઠવી અને સાબરકાંઠા તેમજ મહેસાણામાં રેડ કરી આ ગોટાળાનો પર્દાફાશ કર્યો હતો. જોકે બી ઝેડ ગ્રૂપની બ્રાન્ચ જિલ્લા મથક પાલનપુર માં અમદાવાદ હાઇવે પર હોવાથી બનાસકાંઠા માં પણ મોટા વ્યાજ ની લાલચમાં અનેક રોકાણકારો બી ઝેડ ગ્રૂપની બાટલીમાં ઉતર્યા હોય તેવી આશંકા સેવાઇ રહી છે. કારણ કે છેલ્લા કેટલાક સમય થી બીઝેડ ગ્રૂપ ની ઓફિસ પાલનપુરમાં કાર્યરત છે. ત્યારે બી ઝેડ ગ્રુપના કૌભાંડો પર્દાફાશ થતાં પાલનપુરની ઓફીસને ખંભાતી તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર, આ ગેરકાયદે સ્કીમ 2020થી ચાલુ હતી. લાયસન્સ વગર 3%થી 36% સુધી વ્યાજ આપવાના લાલચમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને ફસાવી મલ્ટી લેવલ માર્કેટિંગ મારફતે કરોડોનું ફ્રોડ કરાયું હતું.જોકે એજન્ટો અને BZ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી છે. એજન્ટો ઉત્તર ગુજરાત ના નિવૃત લોકોને ટાર્ગેટ કરતા હતા. સ્કીમના નામે સ્કેમ ચલાવતા સંચાલકે રોકાણના નાણાં ક્યાં રોક્યા, કેટલી મિલકતો વસાવી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.