
ડીસામાં દેશી દારૂમાં વપરાતા રસકટ ગોળનું ધૂમ વેચાણ, પોલીસના આખ આડા કાન
(રખેવાળ ન્યૂઝ)ડીસા , ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ સૌથી વધુ દારૂ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે. જેમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ વિવિધ ગાડીઓ મારફતે દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે શહેર અને ગામડાઓમાં દેશીદારૂનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે અનેકવાર પોલીસ દારૂ વેચતા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે.
પરંતુ ડીસા શહેરમાં દેશી દારૂ બનાવવામાં વાપરવામાં આવતો રસકટ ગોળનું વેપારીઓ ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસ દેશી દારૂના અડ્ડાવાળા સામે કાર્યવાહી કરે છે. પરંતુ આ દારૂ બનાવવામાં જે ગોળ વપરાય છે તેના ઉપર પ્રતિબંધ હોવાછતાં પણ પોલીસ રસ્કટ ગોળનું વેચાણ કરતા વેપારીઓ સામે કોઈ જ કાર્ય વાહી કરતી નથી.
ડીસા શહેરમાં ગાંધીચોક જુના શાકમાર્કેટ રીશાલા બજાર જીઆઇડીસી વિસ્તારમાં રોજબરોજ ટ્રકો ભરીને રસકટ ગોળનો જથ્થો ઠલવવામાં આવે છે અને આ ગોળ દેશીદારૂ બનાવતા લોકો ખરીદીને લઈ જાય છે. રસકટ ગોળના વેચાણ ઉપર પ્રતિબંધ હોવાછતાં પણ પોલીસ દ્વારા આ ગોળનું વેચાણ કરતા વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી.
ડીસા તાલુકામાં દેશી દારૂના વેપલાને અટકાવવા માટે પોલીસે રસકટ ગોળના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ. આ મામલે જિલ્લા પોલીસવળાએ પણ એક અલગ ટીમ બનાવીને રસકટ ગોળનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ગામડામાંથી દેશી દારૂનું દુષણ ઓછું થાય તેમ છે.
દારૂમાં વપરાતી અન્ય વસ્તુઓ પણ સાથે વેચાય છે
દેશીદારૂ બનાવવા માટે મુખ્ય વસ્તુ રસકટ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બેડા નવસાર ફટકડી તેમજ નશા અને ઊંઘની ગોળીઓ પણ દેશીદારૂમાં નાખવામાં આવે છે અને વેપારીઓ પણ દેશી દારૂમાં વપરાતી મોટાભાગની ચીજવસ્તુઓ ગોળની સાથે જ તેનું પણ વેચાણ કરે છે.
દેશીદારૂના અડ્ડાવાળા વહેલી સવારે સામાન લઈ જાય છે
જે લોકો દેશીદારૂ પાડે છે તેઓ વહેલી સવારે જ ડીસા તાલુકાના વિવિધ ગામોમાંથી બજાર આવી ડીસાના ગાંધીચોક જુના શાક માર્કેટ રિસાલા બજાર અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોળની દુકાન ઉપરથી દેશીદારૂમાં વપરાતો રસકટ ગોળ અને અન્ય સામાન લઈ જાય છે. વહેલી સવારે પોલીસ ન હોવાના લીધે તેઓ વહેલા આવવાનું વધુ પસંદ કરે છે.