ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની રજૂઆત કરનાર સાંસદનું શાહી સન્માન
લાખણી મત વિસ્તારના લોકોએ સાંસદ ગેનીબેન ઠાકોરનો આભાર માન્યો: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને બીજા મુદ્દાઓને લઈ લોક્સભા ગૃહમાં રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે લાખણી અને ચાળવા ગામની ગૌશાળામાં ગૌ-ભક્તો અને સાધુ-સંતો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમનું શાહી સન્માન કરાયું હતું.
ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર મહિલા લોક્સભાના સાંસદ એવા બનાસકાંઠા જિલ્લાના ગેનીબેન ઠાકોરે લોકસભાની ચુંટણીના પ્રચારની શરૂઆતમાં લાખણી તાલુકાના ચાળવા ગામે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને સમગ્ર ગૌ-વંશની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી રજૂઆત લોકસભામાં કરવાનું વચન આપ્યું હતું. તેમણે આપેલા વચન પ્રમાણે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆતના પગલે જ્યારે ગેનીબેન ઠાકોર દિલ્હીથી પરત ફરી બનાસકાંઠામાં આવતા લાખણી ખાતે તેમનું સૌપ્રથમ વખત ગૌ-ભક્તો અને સાધુ-સંતો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવી, ગાય માતાની મૂર્તિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ લાખણીના ચાળવા ગામે આવેલ નર્મદેસ્વર ગૌશાળામાં પહોંચ્યા હતા.જ્યાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.