ઇકબાલગઢમાં બેંક લૂંટ અને મર્ડર કેસમાં ફરાર ડાકુ ઝડપાયો
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ૩૮ વર્ષ પહેલા એક કોન્સ્ટેબલની હત્યા કરી બેન્કમાંથી સનસનીખેજ લૂંટ કરનાર ખૂંખાર ડાકુને રાજસ્થાનથી ઝડપી લેતા બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
સરહદી બનાસકાંઠાના ઇકબાલગઢમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાને ૩૮ વર્ષ પહેલા રાજસ્થાનમાં એક ડાકુએ નિશાન બનાવી હતી. જેમાં સતીશદાનસિંહ રાઠોડ નામના ડાકુએ તેના સાગરિતો સાથે મળી આ બેંકમાં લૂંટ ચલાવી હતી.
૧૯૮૨માં આ બેન્કની અંદર આવેલા બંદૂકધારી ડાકુઓએ બેંકના મેનેજર ને બંદૂક મારી લૂંટ ચલાવી રહ્યા હતી. જોકે તે સમયે પોલીસ આવી જતાં શિવદત્તભાઈ શર્મા નામના બાહોશ પોલીસે આ ખૂંખાર ડાકુ ને રોકવાનો પ્રયાસ કરતા તેને પણ ગોળીથી વીંધી નાખી ૧.૩૨ લાખ રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે ત્યાર બાદ આજ સુધી આ ડાકુનો કોઈ જ પત્તો મળ્યો ન હતો. લૂંટ સમયે બેન્કમાં નોકરી કરતા પટાવાળા એ આ સમગ્ર ઘટનાને કેમેરા સમક્ષ જણાવી હતી. તેને જણાવ્યુ હતું કે, મોઢા બાંધીને ડાકુઓ આવ્યા હતા. તે સમયે હું બેંકમાં પટાવાળો હતો. બેંકમાં લૂંટની ઘટનાની ખબર પડતાં પોલીસ આવી તો પોલીસ કર્મીની પણ તેને ગોળી મારીને હત્યા કરી હતી. તેમજ બેન્ક મેનેજરને પણ માર મારી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
જો કે ગઈકાલે બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને જાણ થતાં જ તેઓએ તપાસ હાથ ધરી હતી. અને બાડમેરના ગડરા ગામેથી આ ખૂંખાર ડાકુને ઝડપી પાડયો છે. ૩૮ વર્ષ પહેલા લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મળી છે. અને તેને બનાસકાંઠા લાવવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.