પાલનપુર ખાતે નિવૃત પેન્શન ધારકોએ કર્યું વિરોધ પ્રદર્શન : માંગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી
ઇપીએસ તળે નજીવા પેન્શન સામે ઉગ્ર વિરોધ
માસિક મિનિમમ રૂ.5000 પેન્શનની માંગ: માંગ નહિ સંતોષાય તો મઝદુરસંઘની આંદોલનની ચીમકી
પાલનપુર એસ.ટી.વિભાગ સહિતના નિવૃત કર્મચારીઓને ઇ.પી.એસ. હેઠળ નજીવું પેન્શન મળે છે. ત્યારે પેન્શન વધારાની માંગ સાથે ખુદ ભાજપની ભગિની સંસ્થા ભારતીય મઝદુર સંઘે બાંયો ચડાવી છે. આજે ભારતીય મઝદુર સંઘે વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું.
1995ની ઇપીએસ સ્કીમ હેઠળ નિવૃત કર્મચારીઓને માસિક ન્યૂનતમ 1000 થી 1200 રૂપિયા જેટલું પેન્શન મળે છે. જે પેન્શન ની રકમ હાલના મોંઘવારીના જમાનામાં પર્યાપ્ત નથી. નજીવા પેન્શનમાં નિવૃત કર્મચારીઓને જીવન નિર્વાહ ચલાવવો કઠિન બન્યો છે. ત્યારે ભારતીય મઝદુર સંઘ નિવૃત કર્મચારીઓને વ્હારે આવ્યું છે. દરમિયાન, આજે ભારતીય મઝદુર સંઘના નેજા હેઠળ એસ.ટી. વિભાગ સહિતના નિવૃત કર્મચારીઓએ પેન્શન વધારાની માંગ સાથે વિરોધ જતાવ્યો હતો. નિવૃત કર્મચારીઓ એ મિનિમમ માસિક રૂ.5,000 ના પેન્શન સાથે મોંઘવારી ભથ્થું લિંક કરવા અને આયુષ્યમાન ભારત યોજના નો લાભ આપવાની માંગ કરી હતી.
ભાજપ સરકાર સામે મઝદુર સંઘનો મોરચો: ચૂંટણીઓ ટાણે વોટ બેંક માટે રેવડીઓ વેચતી સરકાર પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહી છે. સાંસદો અને ધારાસભ્યોને તગડું પેન્શન મળે છે. ત્યારે જિંદગીભર સેવાઓ આપનાર નિવૃત્ત કર્મચારી ઓને મામુલી પેન્શનથી જીવન જીવવું દુષ્કર બન્યું છે. ત્યારે નિવૃત્ત કર્મીઓના વ્હારે ચડતા ખુદ ભાજપ સરકાર સામે મોરચો માંડતા ભાજપની જ ભગિની સંસ્થા ભારતીય મઝદુર સંઘે મોરચો માંડતા નિવૃત્ત કર્મચારીઓ ની માંગણીઓ નહિ સંતોષાય તો જડબેસલાક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.