
પાલનપુર પાલિકામાં કારોબારી ચેરમેનનું રાજીનામું મંજુર : વિકાસના કામોને બહાલી
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ની આજરોજ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિકાસના કામોને બહાલી અપાઈ હતી. જ્યારે ભંગારમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરનાર કારોબારી ચેરમેને આપેલું રાજીનામું મંજુર કરાયું હતું. પાલનપુર નગરપાલિકા ની સાધારણ સભા મહિલા પ્રમુખ કિરણબેન રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પાલિકાના ત્રિ- માસિક આવક-જાવકના આંકડા મંજુર કરાયા હતા. જ્યારે વિવિધ કમિટીઓ ના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે એજન્સીની નિમણુંકને પણ બહાલી અપાઈ હોવાનું પાલિકા પ્રમુખ કિરણબેન રાવલે જણાવ્યું હતું. જાેકે, આજની બેઠકમાં ભંગારમાં કથિત ભ્રષ્ટાચાર મામલે રાજીનામું આપનાર કારોબારી ચેરમેન દિપક પટેલનું રાજીનામું મંજુર કરાયું હતું. જાેકે, વિપક્ષે ચર્ચા કરવાની માંગ કરતા શાસક પક્ષે ગણતરીની મિનિટોમાં બોર્ડ આટોપી લેતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.