
ભણતર-સ્ટેટ્સ નહીં પણ માતા-પિતાના સંસ્કારો યાદ રાખો : હર્ષ સંઘવી
ડીસાના કાંટ ગામે સર્વોદય સંકુલના રજત જ્યંતિ અને નામકરણવિધિ સમારોહ દબદબાભેર યોજાયો હતો. જેમાં વિષેશ ઉપસ્થિત રાજ્યના
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ભણતરને માથે ચડાવી સ્ટેટસ ન બનાવવું જોઈએ પણ ભણતરની સાથે માતા પિતાએ આપેલા વિચારો- સંસ્કારોને યાદ રાખવાની શીખ આપી હતી. હર્ષ સંઘવીએ ડીસા તેમજ આજુબાજુના ગામોના યુવાનો માટે તાલુકા કક્ષાનું રમતગમતનું સંકુલ ફાળવવવાની જાહેરાત કરી હતી. ડીસાના કાંટ ખાતે શિક્ષણની સુવાસ રેલાવતી સર્વોદય વિદ્યા સંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા દીકરીઓને મફતમાં અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહી છે. ૧૯૯૭ માં માત્ર ૧૧ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલ સર્વોદય સંકુલમાં આજે ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આ વિદ્યા સંકુલને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ અને નામકરણ વિધિ યોજાઇ હતી. જે સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રત્નમણી પરિવારના પ્રકાશભાઈ સંઘવી, નામકરણ દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, જગદીશચંદ્ર અગ્રવાલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવિણ માળી, પી.એન.માળી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, માજી ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહીત રાજકીય અને સામાજિક આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા.
સર્વોદય કોલેજના નામકરણ અને રજત જયંતિ પ્રસંગે ઉદ્દઘાટક તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા. તેમણે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડીસાનો દીકરો હોવાના નાતે દાતા અગ્રવાલ પરિવારનો આભાર માની ઉમેર્યુ કે, અગ્રવાલ પરિવાર વતનનું ઋણ ચૂકવવા મોખરે રહે છે. વિધાનસભાથી નીકળતા ડીસા આવવાનો અનેરો આનંદ હતો. ડીસા-બનાસકાંઠા સાથે બાળપણથી મારો નાતો છે અને રહેશે. ડીસાવાસીઓના પ્રશ્નો અને કામ માટે ગાંધીનગરમાં હંમેશા માટે બે ઘર ખુલ્લા છે. જેમાં પહેલું મારુ હર્ષ સંઘવીનું અને બીજુ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું. તમો મને ગમે ત્યારે યાદ કરી શકો છો.
ડીસાને તાલુકા કક્ષાનું રમત-ગમતનું સંકુલ મળશે
ડીસા ખાતે સર્વોદય ટ્રસ્ટની લો તેમજ આર્ટસ અને કોમર્સ કોલેજના નામકરણ પ્રસંગે આવેલા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડીસા તેમજ આજુબાજુના ગામોના યુવાનો માટે તાલુકા કક્ષાનું રમતગમતનું સંકુલ ફાળવવવાની જાહેરાત કરી હતી. જેમની જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ આવકારી વધાવી લીધી હતી.
વિદ્યાર્થીઓને સમાજને ઉપયોગી બનવાની શીખ આપી
આ પ્રસંગે ગૃહમંત્રી વિદ્યાર્થીઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે, ભણતર જીવનમાં ચોક્કસ આગળ લઈ જશે, ભણતર જીવનનો મહત્વનો ભાગ છે પરંતુ ભણતરને માથે ચડાવી સ્ટેટસ સિમ્બોલ નહીં બનાવતા. ભણતરની સાથે સાથે માતા પિતાએ આપેલા વિચારો અને સંસ્કારોને પણ યાદ રાખજો, વતનના ઋણને યાદ રાખવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે ભલે અભ્યાસક્રમમાં આવતા સિલેબસ ગોખીને સારા માર્કસ મેળવી લેશો, પરંતુ સારા નાગરિક કે સારા વ્યક્તિ ત્યારે જ બની શકશો જ્યારે તમે સિલેબસ સિવાય પોતાના વિચારો થકી સમાજને ઉપયોગી બનો તેમ જણાવ્યું હતું.
ડીસાનું ઋણ ચૂકવાનો અવસર : જગદીશભાઈ અગ્રવાલ
આજે કાંટ ખાતે સર્વોદય સ્કૂલના નામકરણ પ્રસંગે ઉપસ્થિત ભામાશા દિનેશભાઇ અગ્રવાલ અને જગદીશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, ડીસા અમારું માદરે વતન છે અને વતનના બાળકોને ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે મળી રહે તેવુ સંકુલ ઘર આગણે બન્યું અને તેમાં દાતા તરીકે અમને જાેડાવાનો મોકો મળ્યો તે અમારા માટે હર્ષ અને આનંદની વાત છે. અમો વતનની સેવા માટે હંમેશા તત્પર છીએ.