ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલની અધ્યક્ષતામાં ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું
બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૮ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી ટી.સી.ડી ગ્રાઉન્ડ ડીસા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરીમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અવસરે શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.
દેશના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું હતું. ૧૫મી ઓગષ્ટ ની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થનાર હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડીસાના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે.