હૃદયરોગના નિદાન માટે અધધ ૩૦૦૦ લોકોનું રજીસ્ટ્રેશન

બનાસકાંઠા
બનાસકાંઠા

આજના સમયમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે લોકોના આરોગ્યની ચકાસણી માટે બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ તથા શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં હ્રદયને લગતા નિદાન તેમજ સારવાર જેવી કે, જનરલ ચેકઅપ, કાર્ડિયાક, ઇ.સી.જી, કાઉન્સેલીંગ અને જરૂરીયાતવાળા દર્દીઓ માટે હાર્ટના ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલની સેવા કરવાની ભાવનામાંથી પ્રેરણા લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ એ પ્રમાણે કામ કરવું જાેઈએ એ ભાવનાથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અને આવતીકાલે ૩૦૦૦થી વધુ લોકોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. સેવા પરમો ધર્મની ભાવના સાથે કામ કરવામાં આવે તો તેનું ખુબ સરસ પરિણામ મળતું હોય છે. સેવાનો અહંકાર ન આવે ત્યારે સેવા ભક્તિ બની જાય છે એમ જણાવી તેમણે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલની હાર્ટના ઓપરેશન સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

બનાસકાંઠાનો કોઈપણ વ્યક્તિ હૃદય રોગથી પીડાય નહીં તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસ એમ.આર.શાહે બનાસ મેડિકલ કોલેજને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ સહયોગથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સૌના માટે સારુ વિચારે છે એટલે જ કોઈ માણસ ભૂખ્યો ન સૂવે તેની ચિંતા કરે છે. એક વ્યક્તિની સારવારથી તેના કુટુંબની સાથે સમાજને બચાવવાનું કામ થાય છે. બે દિવસ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં ૩૨૦૦ જેટલાં લોકોને સારવાર આપવામાં આવનાર છે.આ પ્રસંગે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલના એમ.ડી મનોજભાઈ ભીમાણીએ જણાવ્યું કે, ઈશ્વરના આશીર્વાદથી ૨૩ વર્ષથી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ ખાતે લોકોના આરોગ્ય માટે કાર્યરત છે. બનાસકાંઠાનો કોઈપણ વ્યક્તિ હૃદય રોગથી પીડાય નહીં તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અકસ્માતમાં ઘાયલ થયેલા યાત્રાળુઓને તાત્કાલિક સારવાર પુરી પાડનાર તબીબો અને મેડિકલ સ્ટાફનું અધ્યક્ષના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેકટર વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, કંચનભાઈ પટેલ, જીતુભાઇ શાહ, નયનભાઈ, પી.જે.ચૌધરી અને ભાવાભાઇ રબારી સહિત બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, અગ્રણીઓ, પશુપાલકો અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.