બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડયુટી વસુલવા બાકીદારો સામે લાલ આંખ : 4094 કેસમાં રૂ.1 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી બાકી
એક લાખથી વધુ સ્ટેમ્પ ડયુટી ના 10 બાકીદારોને નોટિસ
સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ નહિ થાય તો જપ્તી ની કાર્યવાહી કરાશે
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્રએ બાકીદારો સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં 4094 કેસોમાં રૂ.1 કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા કડક રૂખ અપનાવાયો છે. જેમાં તંત્ર દ્વારા રૂ.1 લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી માટે 10 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. જોકે, સમય મર્યાદામાં બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ નહિ કરાય તો તંત્ર દ્વારા જપ્તીની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં બાકી સ્ટેમ્પ ડયુટી વસુલવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જિલ્લામાં 4093 કેસોમાં અંદાજે રૂ. 1 કરોડ થી વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી બાકી છે. ત્યારે બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. જેમાં રૂ.1 લાખથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટે 10 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેકટર અંકિતા ઓઝાએ જણાવ્યું હતું.
જોકે, નોટિસ બાદ પણ પક્ષકારો બાકી રકમ નહિ ભરે તો સ્થાવર જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે. જિલ્લામાં 4083 કેસોમાં બાકીદારો પાસેથી રૂ.99.94 લાખની રકમ વસૂલવા ની થાય છે. જ્યારે રૂ.1 લાખથી વધુ રકમની બાકી સ્ટેમ્પ ડ્યુટીના 10 કેસોમાં રૂ.29.69 ની રકમ બાકી છે. આમ, જિલ્લામાં રૂ.1 કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની બાકી છે. ત્યારે તંત્રએ બાકીદારો સામે તવાઈ હાથ ધરતા બાકીદારો ફફડી ઉઠ્યા છે.
10 પક્ષકારોને નોટીસ
(૧) પટેલ વિપુલકુમાર નટવરલાલ, રહે.શેરી નં.૩૦, જુના લક્ષ્મીપુરા, પાલનપુર
(૨) રાતડા રાજસંગભાઈ ગણેશભાઈ (ગેટ વે ડેવલોપર્સ) રહે.બાદરપુરા, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા
(૩) ગોયલ સુરેશકુમાર એન.જી.આઈ.ડી.સી., ડીસા
(૪) ઠેકેદાર અબ્બાસભાઈ અબ્દુલરસીદ રહે.રાજપુર ગવાડી, પોલીસ ચોકી પાસે, ડીસા
(૫) મહેશ્વરી સંજયકુમાર વિજયકુમાર રહે.ડીસા કૃષ્ણનગર સોસાયટી
(૬) સંઘવી અભયકુમાર સેંવતીલાલ વિગેરે રહે.નવાડીસા, દેના બેંકની બાજુમાં, તા.ડીસા
(૭) ઠકકર શારદાબેન રસીકલાલ, રહે.શિહોરી, તા.કાંકરેજ
(૮) માળી ભીખાજી પુનમાજી રહે.૩/૧૦, ડાયમંડ સોસાયટી, ડીસા
(૯) સુરેશકુમાર શાંતિલાલ શેઠ રહે.શ્રેયસ સોસાયટી, ડીસા, તા.ડીસા
(૧૦) પ્રજાપતિ પ્રેમાભાઈ દોલાભાઈ રહે.નાઈવાસ, તા.ધાનેરા.