પાલનપુર તાલુકાના રતનપુરમાં રાહતના પ્લોટ ગેરકાયદે વેચી મરાયા હોવાની રાવ
પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં ૩૦૦ જેટલા રાહતના પ્લોટ ગેરકાયદે વેચી મરાયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ની રજૂઆતને આધારે ડીડીઓ એ ૬૫ પ્લોટ રદ કર્યા છે. જ્યારે બાકીના પ્લોટ રદ ન થતા અરજદારોએ આધાર પુરાવા સાથે ડીડીઓ ને રજુઆત કરી હતી. જોકે, ડીડીઓએ ઉશ્કેરાઈ જઈ અસભ્ય વર્તન કરી અરજદારોને કાઢી મુક્યાં હોવાના આક્ષેપો અમરતભાઈ પ્રજાપતિ નામના અરજદારે કર્યા હતા. દરમિયાન, ગ્રામ પંચાયતની પડતર જમીનમાં સરકારની કોઈપણ જાતની મંજૂરી વિના જ ગેરકાયદે પ્લોટ પાડી ને ગ્રામ પંચાયતના તત્કાલીન મહિલા સભ્યના પુત્ર ઈશ્વરભાઈ દેસાઇ દ્વારા પોતાના નામે અને પોતાના મળતીયાઓ ના નામે પ્લોટ દીઠ ૪૦-૪૦ હજારમાં વેચી મોટું કૌભાંડ આચરાયું હોવાની લેખિત રજુઆત જિલ્લા કલેકટરને કરાઈ છે. સરકારના નિયમો મુજબ મફતના પ્લોટ નું વેચાણ થઈ શકતું ન હોવા છતાં પ્લોટ વેચી સરકારી પડતર જમીનનો બારોબાર વેપાર કરી ખોટું રેકર્ડ ઉભું કરી લાખો રૂપિયાનો કાળો કારોબાર કરી મસમોટું કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો સાથે આ અંગે ૪ મહિના વીતવા છતાં પાલનપુર તાલુકા પંચાયત દ્વારા ગોકળ ગાયની ગતિએ તપાસ કરી કૌભાંડીઓને છાવરવામાં આવી રહ્યા હોવાની રજુઆત કરાઈ છે. ત્યારે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી તમામ વેચાણ કરેલા પ્લોટ રદ કરી જવાબદારો સામે ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે.