વિશ્વ સ્તનપાન ઉજવણી અંતગર્ત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા રેલીનું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ (WBW) ની ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જે અંતગર્ત પાલનપુર ખાતે તા.૦૭-૦૮-૨૦૨૪ ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી આઈ.સી.ડી.એસ શાખા બનાસકાંઠાના અધ્યક્ષસ્થાને વિશ્વ સ્તનપાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સુત્રો દ્રારા સ્તનપાન અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ.
બનાસકાંઠા આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પ્રોગ્રામ ઓફીસર ઉષાબેન ગજ્જર દ્રારા આ રેલીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પોષણ અભિયાન ડીસ્ટ્રીક્ટ કો.ઓર્ડીનેટર, પાલનપુર ઘટકના તમામ મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે સ્તનપાન સહાય અને પ્રચલનમાં અસમાનતા વિશે લોકોને માહીતગાર કરવા, સ્તનપાનને સમાજમાં અસમાનતા દુર કરવા માટે એક સમાનતા તરીકે પ્રસ્થાપિત કરવા, સ્તનપાનને પ્રોત્સાહન અને સહકાર વધારવા માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાણ, સ્તનપાન અંગેના સહયોગમાં અસમાનતા ઘટાડવા માટે સંવેદનશીલ જુથો પર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં લેવા પ્રોત્સાહિત કરવા જેવા મુખ્ય ઉદેશ્યો સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.