કુંભારડીના ખેડૂતોની ગાંધીગીરી માઇનોર કેનાલની જાતે જ સફાઈ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા 113

રખેવાળ ન્યુઝ થરાદ : બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ વાવ તાલુકાના કુંભારડી પંથકના ખેડૂતો ગાંધીગીરી પર ઉતરતાં અપના હાથ જગન્નાથ બનાવીને નર્મદાની માઇનોર કેનાલની જાતે જ સફાઈ કરી દીધી હતી. અને વારંવાર પાણીની માંગણીઓ કરવા છતાં પણ ખેડુતોના ખેતરોમાં પાણી આપવા નિષ્કાળજી સેવી રહેલા નર્મદા વિભાગને લપડાક લગાવી હતી. જો કે હવે પાણી મળશે કેમ તેની ચિંતા ખેડુતોમાં ઉઠવા પામી છે.બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં છુટાછવાયા પડેલા વાવણીલાયક વરસાદમાં ખેડુતોએ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાવાના કારણે બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકના ખેડુતોની પાણી માટેની નજર નર્મદા નહેર પર મંડરાવા પામી છે. પરંતુ સમયસર પાણી નહી મળી શકવાના કારણે ખેડુતોનું વાવેતર નિષ્ફળ જવાની દહેશત પણ સેવાઇ રહી છે. આ અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાત કરાઇ હતી.પરંતુ માઇનોર નહેરોની સાફ-સફાઈ અને રીપેરીંગની નર્મદા વિભાગની ઉદાસીનતાના કારણે અડધો સમય વીતવા છતાં પણ ખેડુતોના ખેતરોમાં પાણી પહોંચ્યું નથી. આથી થરાદ, વાવ તાલુકાના કુંભારડી ગામના અને આજુબાજુના ખેડુતોએ અપના હાથ જગન્નાથ બનાવવા ગાંધીગીરી પર ઉતરતાં રતનપુર થી પીરગઢ જતી આઠ કિલોમીટર લાંબી નર્મદાની માઇનોર નહેરની જાતે જ સાફ સફાઇ હાથ ધરી હતી. તેમણે માયનોર કેનાલમાંથી રેત તથા ઘાસ, વેલા, લીલ તેમજ અનેક પ્રકારનો કચરો બહાર કાઢીને તંત્રે કરવાની કામગીરી જાતે કરીને નર્મદા વિભાગને લપડાક મારી હતી. ખેડુત દિનેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વરસાદ લંબાઈ જતાં પાક પાણી વગર ટકી શકે તેમ નથી, આવા સમયે સિંચાઈ માટે ખેડુતોએ પોતાના ઓજારો થકી કેનાલની સાફસફાઈ કરી હતી. તાલુકાના કુંભારડી,સણવાલ,વજીયાસરા અને પીરગઢ જેવા ગામોના આશરે ૮૦૦ જેટલા ખેડુતો આ કેનાલમાંથી પાણી મેળવે છે. પરંતું કેનાલ બન્યા પછી તેની સફાઇ થઇ હોય તેમ ખેડુતોને યાદ નથી. જ્યારે રિપેરીંગના કારણે હમણાંથી તેમાં પાણી પણ મળતું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.