પાલનપુરમાં વરસાદી ઝાપટું : દોઢ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા
શહેરના મફતપુરા, જામપુરા, જુના બસસ્ટેન્ડમાં વરસાદી પાણી ફરી વળ્યાં
અંબાજીને જોડતા વીરપુર અને પોલીટેકનીક કોલેજ રોડ પાણીમાં ગરકાવ
પાલનપુર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાના આગમનને પગલે દોઢ ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં શહેરના મફતપુરા, જામપુરા, જુના એસ. ટી. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. તો વળી અંબાજીને જોડતા પોલીટેક્નિક કોલેજ અને વીરપુર રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
પાલનપુર શહેરમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ચોમાસું માહોલ સર્જાતા દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. સવારના વરસાદી ઝાપટા બાદ દિવસભર ઝરમર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મફતપુરા અને જામપુરા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા. તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જુનું એસ.ટી. બસ સ્ટેન્ડ પણ બેટમાં ફેરવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા.
જોકે, ભારે વરસાદના પગલે પાલનપુરથી અંબાજી જતા માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાલનપુર અંબાજી માર્ગ પર વીરપુર પાટિયા નજીક ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટૂંક જ સમયમાં ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થશે ત્યારે પદયાત્રીકો ભારે મુશ્કેલી ઓ ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરાય તે જરૂરી બન્યું છે.
જોકે, પાલનપુરના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને પગલે દર વર્ષે ચોમાસામાં વીરપુર પાટિયા નજીક બે થી ત્રણ ફૂટ પાણી ભરાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ નિકાલ માટેની કામગીરી ના કરાતા સ્થાનિકો સહિત વાહનચાલકોને યાતનાઓ વેઠવી પડી રહી છે.