વરસતા વરસાદમાં પણ ખડેપગે રહીને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને રેઈનકોટ અપાયા
સેવા, સંસ્કાર અને શિક્ષણ માટે હંમેશા કાર્યરત રોટરી ક્લબ ડીસાની સેવાનો અનોખો અભિગમ પાંચમી જુલાઈ ને બુધવારે જોવા મળ્યો હતો. જેમાં રોટરી ક્લબના એક્ટિવ રોટરિયન રાનુંબેન ગાંધી તરફથી ડીસા ટ્રાફિક પોલીસ તરીકે કાર્યરત ૩૫ જેટલા કોન્સ્ટેબલ મિત્રોને રેઇન કોટ ભેટ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ડૉ. ડિકેશભાઈ દ્વારા સૌને આવકારી રોટરી દ્વારા થતા સેવાકીય પ્રોજેક્ટની માહિતી આપેલ જ્યારે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ‘રખેવાળ’ દૈનિકના તંત્રી તરુણભાઈ શેઠે ટ્રાફિક પોલિસને રાત દિવસ,તડકો, છાયો કે વરસાદની પરવા કર્યા વગર ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ રોટરી દ્વારા ટ્રાફિક કોન્સ્ટેબલોને રેઇન કોટ આપવાના પ્રોજેક્ટ માટે ક્લબને પણ ધન્યવાદ પાઠવ્યા હતા.ટ્રાફિક પોલીસ વતી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા રોટરી ક્લબનો આભાર વ્યક્ત કરાયો હતો તેમજ રોટરી ક્લબના કોઈ પણ સેવાકીય પ્રોજેક્ટ માટે હંમેશા તૈયાર રહેવા ખાત્રી આપી હતી.સેક્રેટરી મોનાબેન ગાંધી દ્વારા સ્પોંસર અને પ્રોજેક્ટ ચેરમેન રાનુંબેન ગાંધી તેમજ પ્રોજેક્ટમાં હાજર રહેલ રોટરિયન મિત્રો અને ટ્રાફિક કોન્સ્ટેબલ મિત્રોનો આભાર માન્યો હતો .સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.હેતલબેન ગોહેલ, ઓનરરી રો.નવીન કાકા, ડૉ. ચંપકભાઈ, ડૉ.રાજન મહેતા, રો. પ્રવીણભાઈ વ્યાસ, ડૉ ભરતભાઈ શાહ, રો.નટુભાઈ પટેલ,રો.ગોપાલ જોશી, રો. નીતાબેન વારડે સહિત રોટરિયન મિત્રો હાજર રહ્યા હતા.