બનાસની શાળાઓમાં ગુણવતાવીહીન શિક્ષણ !

બનાસકાંઠા
બનાસકાંઠા

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા શિક્ષણ માટે બજેટમાં ફાળવાય છે. દરેક જિલ્લાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કરોડો રૂૃપિયાનો ઓનપેપર ખર્ચ પણ બતાવાય છે. તેમ છતાં કથળેલું શિક્ષણ સમાજને કલંકિત કરી રહ્યું છે. સરકારો એક તરફ વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત જેવા સુવિચારો દ્વારા શૈક્ષણિક ક્રાંતિનાં બણગાં ફૂંકે છે, તો બીજી તરફ રાજ્યના મોટાભાગની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું ઉદાસીન વલણ,શિક્ષકોની ઘટ,અપડાઉન પ્રથા તેમજ બિનશેક્ષણિક કાર્યોની ભરમારને લીધે શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ સંખ્યા ૧૨૦૦થી વધુની છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં અંદાજીત સાડા પાંચ લાખ બાળકો અભ્યાસ કરે છે.આ બાળકોનાં ભણતર માટે ૧૬,૫૦૦ જેટલાં જ શિક્ષકો ફરજ બજાવે છે. પરંતુ આમાંથી મોટાભાગના શિક્ષકો બબ્બે તાલુકા દૂરથી અપડાઉન કરતાં હોવાથી બાળકોનું ભણતર અંધકારમય બન્યું છે. એટલું જ નહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ બાળકોના અભ્યાસ બાબતે ગંભીરતા નહિ દાખવતી હોય તેવી કડવી વાસ્તવિકતા સામે આવી છે.રખેવાળની ટીમને મળેલ એક્સલુઝીવ માહિતીએ જિલ્લાના શિક્ષણની પોલ ખોલી દીધી છે. જિલ્લાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતાં બાળકોમાંથી માત્ર ૨૫ ટકા બાળકોને જ સામાન્ય સરવાળા,બાદબાકી,ભાગાકાર,ગુણાકાર, તેમજ અંગ્રેજીમાં નામ લખતાં વાંચતાં આવડે છે. તે સિવાયના બાળકોને સામાન્ય ગણિત,ગુજરાતી, અંગ્રેજી જેવું કશું જ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. જેની પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું શિક્ષણવિદો માની રહ્યા છે. જિલ્લામાં હજુ ૧૬૦૮ જેટલાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ રહેલી છે. જેને લીધે બાળકોના ભણતર પર અસર પડી રહી છે. એટલુ જ શિક્ષકોની આટલી ઘટ હોવા છતાં આ શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયનાં ઘણાબધાં કામો કરાવવામાં આવે છે. વાત આટલે અટકતી નથી શિક્ષકો પણ દૂર દૂરથી અપડાઉન કરતા હોવાથી ઘણીવાર ગેરહાજર રહેતા હોય છે, જેને લીધે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ જેવા તાલુકાઓમાં તેમજ આદિવાસી બહુમતી ધરાવતાં દાંતા,અમીરગઢમાં તો શિક્ષણનું સ્તર ખૂબ જ કથળેલું જોવા મળી રહ્યું છે.

સરેરાશ ૪૦ બાળકોએ માત્ર ૮ પાસે જ સામાન્ય અક્ષરજ્ઞાન
જિલ્લાની પ્રાથમિક શાળાઓની વરવી સ્થિતિ એ હદે પહોંચી છે કે સરકારી શાળાના ધોરણ ૭ અને ૮ ના જે બાળકોને એક થી દસ સુધીનાં ઘડિયાં કે સામાન્ય ભાગાકાર, ગુણાકાર વગેરે પણ નથી આવડતું તેવા બાળકોને પણ શાળા ૯૦ થી ૯૨ ટકા આપી પાસ કરી દે છે . સરકારી શિક્ષકો ઓનપેપર શિક્ષણની ગુણવત્તા બતાવવા આવા શર્મજનક ગતકડાં પણ કરે છે. અમીરગઢના વિરમપુર ખાતે આવેલ કન્યા નિવાસી મોડેલ શાળામાં ધોરણ ૮માં પ્રવેશ મેળવનાર એક આદિવાસી દીકરીને પાલનપુરની મોરિયા સરકારી શાળાએ ૯૨ ટકા માર્ક્સ સાથે સાતમાં ધોરણમાં પાસ કરી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ બાળક ને સામાન્ય સરવાળા બાદબાકી કે પોતાનું નામ પણ ઠીકથી લખતાં આવડતું નથી. ત્યારે બનાસકાંઠામાં શિક્ષણ કેટલી હદે કથળ્યું છે તે સમજી શકાય છે.

દર વર્ષે ગુણોત્સવો થાય છે તો પણ બાળકોનાં ભણતરની આવી દશા !
રાજ્ય સરકાર દર વર્ષે સચિવ અને કમિશનર કક્ષાનાં અધિકારીઓને રાજ્યની જુદી જુદી સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા જોવા મોકલે છે. આ અધિકારીઓ શાળાની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના મુખ્યમંત્રીને મોકલે છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં ૭૫ ટકાથી વધુ બાળકો પ્રિય બાળકોની શ્રેણીમાં આવે છે. પ્રિય બાળક એટલે એવું બાળક જે ભણવામાં નબળું હોય, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આવા ગુણોત્સવો દરમ્યાન રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને શુ જિલ્લાના શિક્ષણની વાસ્તવિકતા નહિ આવતી હોય ? જે બાબત અનેક શંકા કુશંકાને જન્મ આપે છે.

અપડાઉન કરતાં શિક્ષકોની ગેરહાજરી ચિંતાનો વિષય
બનાસકાંઠા ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યમાં ત્રીજા નંબરનો જિલ્લો છે. તેથી અહીં અપડાઉન કરનાર શિક્ષકોની સંખ્યા ખૂબ જ વધુ છે. પ્રાથમિક શિક્ષણ તંત્રના નિયમ મુજબ કોઈપણ સરકારી શિક્ષકે પોતાની નોકરીથી ૧૫ કિમિ સુધીના વિસ્તારમાં જ રહેવું ફરજિયાત છે. છતાં બનાસકાંઠામાં તો શિક્ષકો જાણે સરકારી નિયમોને ઘોળીને પી ગયાં હોય તેમ ૮૦ થી ૧૦૦ કિમિ દૂરથી પણ અપડાઉન કરે છે. પાલનપુરથી થરાદ ૮૦ કિલોમીટરનું અંતર થાય છે. છતાં શિક્ષકો પાલનપુરથી થરાદ સુધીનું પણ બિન્દાસ્ત અપડાઉન કરી લે છે. પરિણામે શિક્ષકો ઘણીવખત ગેરહાજર રહીને પણ પોતાના સાથી શિક્ષકને પોતાનો કોડ આપી ઓનલાઈન હાજરી પુરાવી દેતાં હોય છે. જિલ્લાના દાંતા, અમીરગઢ, થરાદ, વાવ, સુઇગામ જેવા તાલુકાઓમાં તો આવી સ્થિતિ સવિશેષ છે. શિક્ષકોની ગેરહાજરી, વહેલાં મોડા આવવું, વહેલાં ઘરે જતાં રહેવું આ બધી જ બાબતો બનાસકાંઠાના શિક્ષકો માટે કોમન બની ગઈ છે. જેને લીધે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સાવ છેલ્લાં સ્તરે -પહોંચી ગયું છે.

જિલ્લામાં ૧૬૦૭ શિક્ષકોની ઘટ છતાં છે અનેક બિન શૈક્ષણિક કાર્યો અપાય છે
જિલ્લામાં કુલ સાડા પાંચ લાખથી વધુ બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. નિયમ મુજબ આ બાળકોને ભણાવવા પ્રતિ ૩૦ બાળકોએ એક શિક્ષક હોવો જોઈએ. પરંતુ જિલ્લામાં ૧૬૫૦૦ શિક્ષકો જ હોવાથી હજુ ૧૬૦૭ શિક્ષકોની ઘટ છે. જેના લીધે અનેક જગ્યાએ ૬૦થી ૧૦૦ બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક ભણાવતાં હોવાથી શિક્ષણનું સ્તર કથડતું જાય છે. તેવામાં સરકાર અને જિલ્લા શિક્ષણ તંત્ર પણ આવા શિક્ષકોને વધારાનાં બિનશૈક્ષણિક કાર્યોમાં લગાવી શિક્ષણની સ્થિતિને વધુ ખરાબ બનાવવામાં લાગી છે. પહેલાંથી જ ઓછા શિક્ષકો હોય ત્યાં આ શિક્ષકો પાસેથી પણ વધારાના કામો કરાવાશે તો શિક્ષણનું સ્તર વધુ બગડવાનું જ છે, તેમાં કોઈ
બેમત નથી.

લ્યો બોલો ! શિક્ષકો નકલી ભાડાચિઠ્ઠી પણ બનાવી દે છે!
બનાસકાંઠા જિલ્લામાં હજ્જારો શિક્ષકો ૫૦ થી ૧૦૦ કિલોમીટર જેટલું લાંબુ અપડાઉન કરતા હોવાથી શિક્ષકોની ગેરહાજરીની અનેક ફરિયાદો પ્રકાશમાં આવે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે આવી ફરિયાદો આવે છે ત્યારે ખુદ અધિકારીઓ જ આવા શિક્ષકો સાથે સાંઠગાંઠ કરી તેમને શાળાની નજીકના કોઈ ઘરની ભાડાચિઠ્ઠી બનાવડાવી દેવાની સલાહ આપી દે છે. અને શિક્ષકો પણ નકલી ભાડાચિઠ્ઠીઓ બનાવી બિન્દાસ્ત અપડાઉન પણ કરે છે અને અનિયમિત હાજરીનો ખેલ રચી બાળકોનું ભણતર જોખમમાં મૂકતા હોય છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.