બનાસકાંઠામા છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી
સરકાર દ્વારા ખેડૂતોને રાયડા ના પાકમાં પોષણક્ષમ ભાવ આપવા માટે ગુજકોમાસોલ દ્વારા તાલુકા સંધો મારફતે ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, કાંકરેજ, થરાદ, ડીસા અને ભાભર મળી છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ૨,૧૨, ૧૬૬ બોરી રાયડાની આવક નોંધાઇ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં હાલ બજારમાં રાયડાનો પ્રતિ ૫૦ કિલો રૂ.૯૦૦ થી ૯૯૦ નો ભાવ ચાલી રહ્યો છે. જેની સામે સરકાર દ્વારા ખેડૂતોને રાયડા માં ઊંચો ભાવ આપવા પ્રતિ ૫૦ કિલો રાયડા માં ટેકાનો ભાવ ૧૦૯૦ જાહેર કરવામાં આવ્યા છે. અને ગુજકોમાસેલ દ્વારા જુદા જુદા છ કેન્દ્રો પર તાલુકા સંઘો મારફતે ટેકાના ભાવે રાયડા ની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે પાલનપુર કેન્દ્ર પર પાલનપુર, વડગામ, દાંતીવાડા, અમીરગઢ અને દાંતા તાલુકા નો સમાવેશ કરાયો છે. જ્યારે કાંકરેજ કેન્દ્ર પર કાંકરેજ અને દિયોદર તાલુકા નો સમાવેશ કરાયો છે. ભાભર કેન્દ્ર પર ભાભર અને સુઈગામ તાલુકાનો સમાવેશ કરાયો છે. જ્યારે ડીસા, થરાદ અને ધાનેરાને અલગ કેન્દ્ર ફાળવાયા છે. જોકે, ટેકાના ભાવે રાયડા ની ખરીદીમાં ધાનેરા કેન્દ્ર ૯૧૮૧૯ બોરીની ખરીદી સાથે જિલ્લામાં અવ્વલ નંબરે રહ્યો છે. જ્યારે ૬૩૯૧ બોરી ની આવક સાથે ભાભર કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યો છે. જોકે, જિલ્લામાં અત્યાર સુધી છ કેન્દ્ર પર ૨૧૨૧૬૬ બોરી રાયડા ની આવક થઈ ચૂકી છે.