બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત ની કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

ખુદ ભાજપ અગ્રણીએ કલેકટર સહિત સરકારમાં કરી રજૂઆત,શહેર મધ્યેથી કચેરીઓ અન્યત્ર ખસેડવાની હિલચાલનો વિરોધ : બનાસકાંઠા જિલ્લાની બોદી નેતાગીરીના પાપે જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર નધણીયાતું બની ગયું હોવાની રાવ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલી જિલ્લા પંચાયત ભવન સહિતની કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે ખુદ ભાજપ અગ્રણીએ જ અવાજ ઉઠાવતા મુખ્યમંત્રી સહિત પ્રદેશ ભાજપ અને જિલ્લા કલેકટરને લેખિત પત્ર લખી કચેરીઓના સૂચિત સ્થળાંતર સામે વિરોધ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના જોરાવર પેલેસમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત ભવન, ન્યાયાલય, પોસ્ટ, ટેલિફોન સહિત બહુમાળી બિલ્ડીંગ જિલ્લા સેવા સદનમાં લગભગ તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જે જિલ્લા ભરમાંથી આવતા અરજદારો માટે એકજ સંકુલમાં આવેલી કચેરીઓ સુગમ અને સરળ બની રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સહિતની કચેરીઓ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે જિલ્લા પંચાયત ભવન અન્યત્ર ખસેડવા સામે સત્તામાં રહેલી જિલ્લાની નેતાગીરી ગાંધારીની ભૂમિકા ભજવી રહી છે.

ત્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્ય મેરુજી ધૂંખ જિલ્લાવાસીઓની વ્હારે આવ્યા છે. તેઓએ જિલ્લા પંચાયત ભવન સહિતની કચેરીઓ અન્યત્ર ખેસડવાથી જિલ્લાભરના અરજદારોને પડનારી મુશ્કેલીઓ અને સમય, શક્તિ અને ખર્ચના વેડફાટ સામે અવાજ ઉઠાવી આ કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે વિરોધ જતાવતા જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યને લેખિત રજુઆત કરતો પત્ર લખી આ કચેરીઓને અન્યત્ર ખસેડવાનો નિર્ણય મુલતવી રાખી તેજ જગ્યાએ નવીન બાંધકામ કરવાની માંગ કરી છે.

પાલનપુરીઓ કયારે જાગશે??? : જિલ્લા મથક પાલનપુરમાં કોઈ મોટા ધંધા રોજગાર નથી જિલ્લા મથક પાલનપુરમાં મેડિકલ કોલેજ ના પગલે સરકારી સિવિલ હોસ્પિટલની સુવિધા પણ છીનવાઈ ગઈ છે. ત્યારે પાલનપુર માં બસપોર્ટ અને રેલવે સ્ટેશન નજીક જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓનું કથિત સ્થળાંતર નાના વેપારીઓ, બસપોર્ટના વેપારીઓ, રોજ કમાઈને રોજ ખાનારાઓ માટે મરણતોલ ફટકો પુરવાર થશે. વળી, જિલ્લાભરમાંથી આવતા અરજદારો પણ ભારે મુશ્કેલીમાં મુકાશે. ત્યારે પાલનપુરમાં નવી સુવિધાઓ ઉભી કરવાને બદલે રહીસહી સુવિધાઓ છીનવી લેવા ની હિલચાલ સામે જિલ્લાનું હિત જેના હૈયે વસ્યું હોવાનો દાવો કરનારી નેતાગીરીનું ભેદી મૌન પ્રજાજનોને અકળાવી રહ્યું છે.

અગાઉ કલેકટર કચેરી સદરપુર ખસેડવાની હિલચાલ બાદ હવે જગાણા ખસેડવાની પેરવી કેટલાક હિતશત્રુઓના સ્વાર્થમાં કરવામાં આવી રહી હોવાનો ઈશારો ખુદ ભાજપ અગ્રણી મેરુજી ધૂંખ કરી રહ્યા છે. ત્યારે ભાજપના વર્તમાન શાસકો બિલ્ડર લોબી કે જમીન માફિયાઓના ઈશારે  જિલ્લાનું હિત કોરાણે મૂકી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ પ્રજાનું સમર્થન મેળવી શાસકો અને તંત્રના કાન આમળે તે જરૂરી બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.