બનાસકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ
(અહેવાલ : દેવજી રાજપૂત,પ્રતાપ પરમાર)
પ્લાસ્ટર ઓફ પેરીસને હંફાવતી ભગવાન ગણેશજીની માટીની મૂર્તિઓ: પવિત્ર શ્રાવણ મહિનો ઉતરવાના આરે છે ત્યારે તહેવાર પ્રિય બનાસ વાસીઓ દ્વારા દુંદાળા દેવ ભગવાન ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તેથી ડીસા, પાલનપુર સહિતના હાઇવે ઉપર ગણેશજીની મૂર્તિઓ નજરે પડવા લાગી છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાતના દરેક શહેરમાં પણ ભાદરવા સુદ ૪ થી ગણેશ મહોત્સવ ઉમંગભેર ઉજવાય છે. જેમાં રાસ ગરબાની રમઝટ સહિત બાપાની ભક્તિ- આરાધના કરાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા- પાલનપુર જેવા વિવિધ શહેરોમાં હાઈવે ઉપરની ફુટપાથ ઉપર કુશળ કારીગરો દ્વારા ભગવાન ગણેશજીની અવનવી ડિઝાઇનમાં મૂર્તિઓ આબેહુબ રંગરોગાન કરવામાં આવી રહી છે. ભાદરવા સુદ ચોથના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા,થરાદ, ભીલડી, વાવ, દિયોદર, ભાભર, લાખણી ખાતે શાનદાર રીતે ગણેશજીની મૂર્તિની દબદબાભેર સ્થાપના કરાશે. સરકારની ગાઈડલાઈન મુજબ માટીની મૂર્તિની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.કારીગરો પણ માટીની મૂર્તિમાં અદભુત રંગરોગાન કરી પ્લાસ્ટર ઓફ પેરિસને હંફાવે તેવી આબેહૂબ મૂર્તિઓ બનાવે છે.
આ બાબતે જિલ્લાના માટી કલાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ વિસર્જન બાદ રઝળે છે અને પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેથી સરકારે તેના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આયોજકો પણ તેને અનુસરી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો આગ્રહ રાખે છે. હાલ બજારોમાં 100 થી માંડી 2000 રૂ. સુધીમાં મૂર્તિઓ વેચાય છે.