ડીસા હાઈવે પર ખાડા, તૂટેલી જાળીઓ અને ગટરોથી અકસ્માતનો ભય
નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા એકબીજાને ખો આપે છે: ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ પડેલા ખાડા તેમજ ડિવાઇડરો પર તૂટેલી જાળીઓ અને બન્ને તરફ તૂટેલી ગટરોથી સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ગટરો રીપેરીંગ કરવા બાબતે ડીસા નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી એકબીજાને ખો આપી રહ્યા છે.
દિલ્હીથી કંડલાને જોડતા મુખ્ય નેશનલ હાઇવે પર ડીસા શહેરમાંથી પસાર થતા રસ્તા પર ડિવાઈડર વચ્ચે તેમજ સર્વિસ રોડ આજુબાજુ લગાવેલી જાળીઓ અનેક ઠેકાણેથી તૂટી ગઈ છે તેમજ જાળીના સળિયા ભય જનક રીતે રસ્તાના ભાગે આવી ગયા હોવાથી ઘણી વખત વાહનોના અકસ્માત સર્જાય છે. આ ઉપરાંત નેશનલ હાઇવે પર આખોલ ચોકડી પાસે તેમજ થરાદ હાઇવે પર અને ધાનેરા હાઇવે પર અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. તાજેતરમાં વરસાદ બંધ રહેતા હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવા વેટ મીક્સનો માલ નંખાયો હતો પરંતુ તે પણ ઝાઝું ન ટકતા ફરીથી મોટા ખાડા પડી ગયા છે.
જેના કારણે નાના વાહનો તો રીતસર ખાડામાં પટકાઈ રહ્યા છે જ્યારે મોટા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત નેશનલ હાઇવે પર બંને બાજુ પાણીની નિકાલ માટેની ગટરો પરના સ્લેબ અનેક જગ્યાએ તૂટી ગયા છે જેથી વાહનો ગટરમાં પડવાના પણ અનેક બનાવો બન્યા છે. જેના કારણે કેટલાય લોકોને ઈજાઓ પણ થઈ છે. ગટરો રીપેરીંગ કરવા બાબતે નગરપાલિકા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજાને ખો આપી રહ્યા છે.
આ બાબતે હાઇવે પર પસાર થતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે, અમારી પાસેથી તગડો ટોલટેક્સ વસુલાત કરવામાં આવે છે પરંતુ ખાડા પણ પુરવામાં આવતા નથી. જ્યારે હાઇવે પર તૂટેલી જાળીઓથી ખૂબ જ સાવચેત રહીને વાહન ચલાવવું પડે છે.
Tags accidents Disa Highway drains