સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે ઉશ્કેરાટ ફેલાવનાર પોસ્ટ પર પોલીસની લાલ આંખ
અંબાજીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓ સામે અંબાજી પોલીસની કામગીરી જોવા મળી રહી છે. હાલમાં અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં અંબાજી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તો સાથે સાથે વાહનો ચેકીંગની કામગીરી પણ અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ગોઠવી વાહનોના કાગળ, ડ્રાઇવિંગ લાઇસન્સ, નંબર પ્લેટ વગરના વાહનોને ડીટેઇન કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે ઉશ્કેરાટ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને બે લોકો પકડી પાડ્યા છે. અંબાજીમાં કેટલાક અસામાજિક તત્વો ઓવર સ્પીડમાં બાઈકો ચલાવે છે અને ઉશ્કેરાટ ફેલાય તેવી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર મૂકે છે. તો સાથે સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર ઉશ્કેરાટ ફેલાય તેવા ફોટા અને વીડિયો મુકે છે અને હાથમાં હથિયાર સાથે ભય ફેલાય અને ઉશ્કેરાટ ફેલાય તેવા સ્ટેટસ મુકે છે. તેવા લોકો સામે અંબાજી પોલીસ લાલ આખ કરી છે. જેના પગલે બે લોકો સાથે એક બાઈક પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંબાજી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખીને આવા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંબાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં 30થી વધુ બાઈકો પણ ડીટેન કરવામાં આવી છે. હાથમાં ધોકા અને પથ્થરો સાથે જોવા મળતા ઇસમો સામે પણ અંબાજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ ગબ્બર ખાતે હાથમાં લાકડી અને પથ્થર લઈને ફરતા વ્યક્તિ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.