
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ બોર્ડર પર પોલીસ એલર્ટ બની
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વાહનચાલકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આમ બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી અનેક પ્રકારના નશીલા પદાર્થો પોલીસ ઝડપી પાડતી હોય છે. તારે દિવાળી જેવા તહેવાર અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.
જેમાં વાહનચાલકો નશો કરેલી હાલતમાં છે કે નહીં ? તેના માટે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી રહી છે. અમીરગઢ પી.આઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં દિવાળી તહેવાર નિમિત્તે તેમજ રાજસ્થાન ચૂંટણી અનુસંધાને અમીરગઢ ચેકપોસ્ટ પર જે ગુજરાતમાં પ્રવેશવાની મોટામાં મોટી ચેક પોસ્ટ છે. નેશનલ હાઇવે સાથે સંકળાયેલી હોવાથી હાલમાં તમામ પ્રકારના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ અહીંયાથી જ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આવા પ્રકારના કોઈ નશીલા પદાર્થો અહીંથી ન લઈ જઈ શકે તે માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે.