ડીસામાં આપ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે આવેદનપત્ર
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વચ્ચે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ મંદિરોને નષ્ટ કરી નાખવામાં આવતા સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓને સુરક્ષા આપવાની માગ કરી હતી.
વર્તમાન સમયે બાંગ્લાદેશમાં લઘુમતી સમાજના લોકો દ્વારા નિર્દોષ હિન્દુ સમાજના નાગરિકો પર, ખાસ કરીને બાંગ્લાદેશમાં લઘુમતી નિર્દોષ હિન્દુ સમુદાયના નાગરિકો પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી, બનાસકાંઠા દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ભારત સરકારને એવી માંગણી સાથે એક મજબૂત દરખાસ્ત રજૂ કરવામાં આવે છે કે, હિન્દુ નાગરિકોની સુરક્ષા અને હિન્દુ મંદિરો તેમજ ધર્મસ્થાનોની સલામતી આંતરરાષ્ટ્રીય સ્તરે જળવાઈ રહે અને બાંગ્લાદેશમાં સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પાડોશી દેશને કડક સજા થવી જોઈએ.