પાલનપુરમાં રખડતા ઢોરની સમસ્યાથી પ્રજાજનો ત્રસ્ત : યુવકની આત્મવિલોપનની ચીમકી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખડતા ઢોરની સમસ્યાને લઈને યુવકની આત્મવિલોપનની ચીમકી

26 ઓગસ્ટ સુધી ઉકેલ નહિ આવે તો ત્રણ દિવસ અન્ન જળના ત્યાગ બાદ આત્મ વિલોપનની ચીમકી: બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે રખડતા ઢોરની સમસ્યાને લઈને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રખડતા ઢોરની સમસ્યા પરત્વે કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોઢેલા તંત્રના બહેરા કાન ખોલવા માટે ચિત્રાસણીના સામાજિક કાર્યકરે રખડતા ઢોરો સામે અસરકાર કાર્યવાહીની માંગને લઈને ત્રણ દિવસના અન્ન જળના ત્યાગ બાદ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

પાલનપુર શહેરમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરમાં રખડતા ઢોરની અડફેટે રાહદારીઓ અને વાહન ચાલકો આવતા હોઈ નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. કેટલીય વાર રખડતા ઢોરની અડફેટે અકસ્માતો થતા હોય છે. જિલ્લા કલેકટર અને એસ.પી.ના ઘરથી ઓફીસ સુધી ઠેરઠેર ગાયો અને આખલાઓ અડિંગો જમાવીને બેઠા હોય છે. જોકે, રોજ બરોજની આ સમસ્યા સામે તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોઈ ચિત્રાસણીના સામાજિક કાર્યકર દિનેશભાઇ દોશીએ આજે જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરી છે.

જેમાં તેઓએ આગામી 26 ઓગસ્ટ સુધીમાં રખડતા ઢોરની સમસ્યા સામે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો તેઓએ જાહેર જનતાના હિતમાં 26 થી 28 ઓગસ્ટ ત્રણ દિવસ સુધી કલેકટર કચેરી મૂલ્કી ભવન પાસે ઉપવાસ પર ઉતરી અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેઓએ આ ત્રણ દિવસમાં પણ કઈ નિરાકરણ નહિ આવે તો આગામી તા.29-8-2024ના રોજ આત્મવિલોપન કરવાની કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે તંત્ર આત્મ વિલોપનની ચીમકી બાદ પણ જાગશે ખરા? તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.