વડગામ ના છાપી થી કોટડી ગામ ને જોડતા રોડ ની દયનિય હાલત : રોડ માં ખાડા કે ખાડા માં રોડ?
ત્રણ ચાર વર્ષ થી તંત્ર ને અનેક રજૂઆતો કરવા છતાં નઘરોળ તંત્ર દ્રારા આંખ આડા કાન કરાતા પ્રજા પરેશાન
વિકાસ ની ગતિ માં ખાડા પડયા: વડગામ તાલુકાના છાપી થી કોટડી સહિત ના ગામો ને જોડતા રોડ સંપૂર્ણ જર્જરિત થતા વાહનચાલકો સહિત શાળા એ જતા પંદરસો વિદ્યાર્થીઓ પરેશાની નો સામનો કરી રહ્યા છે.ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણ ની નિદ્રામાં પોઢી રહ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
વડગામ ના છાપી થી કોટડી સહિત ના ગામો ને જોડતા રોડ ની એટલી હદે ખરાબ સ્થિતિ થઈ છે કે રોડ માં ખાડા પડયા છે કે ખાડા માં રોડ તેવો વેધક સવાલ નાગરિકો દ્રારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ ચોમાસા ની સિઝન માં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. ત્યારે આ રોડ ઉપર ઢીંચણ સમા પાણી માંથી જ્યોતિનગર માં આવેલ શારદાશિષ હાઈસ્કૂલ માં જવા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ તેમજ વાહનચાલકો મજબુર બની રહયા છે. રોડ ની હાલત એટલી હદે ખરાબ બની ચુકી છે કે વરસતા વરસાદ માં રોડ ઉપર થી પસાર થવું એટલે જીવ નું જોખમ હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગ સત્વરે રોડ ની પહોળાઈ વધારી નવીન રોડ બનાવવા કોટડી, એદરાણા , કોદરાલી, જ્યોતિનગર સહિત ના ગામો ની પ્રજા માંગ કરી રહ્યા છે.
પંદરસો છાત્રાઓ ના જીવ નું જોખમ: છાપી (જ્યોતિનગર) ખાતે આવેલ શારદાશિષ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા આશરે પંદરસો છાત્રો શાળા એ જવા માટે ખાડા ઓ માં ગરકાવ થયેલ રોડ ઉપર થી પસાર થવા મજબૂર બન્યા છે. રોડ ની સ્થિતિ જોતા છાત્રા ઓ ને રોડ ઉપર થી પસાર થવા માં અકસ્માત ની ભીતિ સાથે માથે જીવ નું જોખમ હોવાનું જણાવી રહ્યા છે.
ગ્રાન્ટ ની ફાળવણી નો અભાવ: સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ છાપી થી કોટડી સુધી નો રોડ મંજુર થયો છે. જોકે રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્રારા ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.જ્યારે રાજ્ય સરકાર સત્વરે ગ્રાન્ટ ની ફાળવણી કરે તેવી માંગ ઉઠવા પામી છે.