
પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી, નીચે રીક્ષા દટાયાની આશંકા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના RTO સર્કલ પાસે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડ્યા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.
બ્રિજના સ્લેબ ધરાશાયી થવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે. આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું.
ગત જૂન મહિનામાં તાપીના મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો હતો. તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો હતો. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી હતી.
સળગતા સવાલ
– કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
– ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી?
– કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું?
– પુલ તૂટવા મુદ્દે થશે કાયદેસરની તપાસ?
– પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો?
– કોન્ટ્રાક્ટર સાથે મોટા નેતાઓની સાંઠગાંઠ છે?