પાંથાવાડામાં મગફળીના પાકનો સફાયો થતાં વિસ્તારના ખેડૂતોમાં દવાની ખરીદીને લઈ ડર ઉભો થયો
મગફળીના પાકમાં દવાના છંટકાવે ખેડૂતને રડતો કર્યો, પોતાનો પાક બળી જતાં ખેડૂતે જે દુકાનેથી દવા ખરીદી ત્યાં રજૂઆત કરી તો દુકાનદાર સામો ઉઠયો, જે થાય તે કરી લે.
જે પાક 100 દિવસે તૈયાર થવાનો હતો, ખેડૂત બે રૂપિયા, કમાઈ શકે તેમ હતો, તે 50 દિવસે બળીને સાફ થઈ ગયો
દાંતીવાડા તાલુકામાં ખેડૂતે ખેતરમાં દવાનો છંટકાવ કરતા ખેતરમાં વાવણી કરેલો મગફળીનો પાક બળવાનો બનાવ સામે આવ્યો છે બનાવથી આજુબાજુના ખેડૂતોમાં ચર્ચાના વિષય સાથે એક પ્રકારે દાવાને લઈ ડર ઉભો થયો છે.
દાંતીવાડાના આરખી ગામે કરશનભાઈ મોતીભાઈ ચૌધરી નામના ખેડૂતને પોતાના ખેતરમાં દવાના છંટકાવ બાદ રડવાનો વારો આવ્યો છે હાલમાં તો આ ખેડૂતની ચાર મહિનાની કમાણી સાવ એળે ગઈ છે. કરશનભાઈએ પોતાના ખેતરમાં વાવેલ ચોમાસુ સિઝનની મગફળીના પાકમાં દવાનો છંટકાવ કર્યો હતો જે બાદ પોતાના ખેતરમાં વાવણી કરેલો પાક બળવા લાગ્યો હતો અને ધીરે ધીરે થોડા દિવસમાં મોટાપાયે પાક બળીને નષ્ટ થયો હોવાનો બનાવ બન્યો છે.
બનાવ બાદ તેમણે જે દુકાનથી દવાની ખરીદી કરી હતી ત્યાં જઈને દુકાનદાર આગળ પોતાની વાત કરી હતી પરંતુ દુકાનદારે તેમની સમસ્યાનો હલ કાઢવાની જગ્યાએ સામો ઉઠયો અને જે થાય તે કરી લેવા જણાવ્યું જે બાદ ખેડૂત કરશનભાઈ એ પાંથાવાડા પોલીસ મથકે પોતાની આપવીતી જણાવી કાર્યવાહી કરવા પ્રયાસ કર્યો હતો અને બાદમાં ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવા તૈયારી દર્શાવી છે. હાલમાં બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં ખેડૂતોને થતાં એક પ્રકારે ખેડૂતોમાં દવાની ખરીદી અને વપરાશ કરવા બાબતે ડર ઉભો થયો છે.
ખેડૂતના આટલા પાકમાં નુકસાન થયું: ખેડૂતે પોતાના ખેતરમાં 6 વિઘા જેટલી જમીનમાં ચોમાસુ સિઝનનો મગફળીનો પાક વાવણી કર્યો હતો. જેમાં મગફળી બિયારણના 10 જેટલા કટાનું વાવેતર કર્યું હતું.
ખેડૂતે કરેલી કાળી મહેનતનું શું?: પોતાના ખેતરમાં વાવેલો જે પાક 100 દિવસે કાળી મજૂરી બાદ તૈયાર કરીને તેમાંથી ખેડૂત અંદાજીત બે લાખથી વધુની કમાણી કરવાનો હતો તે પાક દવાની આડ અસર થતાં 50 દિવસે તો નષ્ટ થઈ ગયો છે અને તેના લીધે હાલમાં આ ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતો દુકાનદારના ભરોસે ખરીદી કરતા હોય છે: આમ જોવા જઈએ તો મોટા ભાગના ખેડૂતો તેમના રોજના ખરીદી કરવાના સ્થાન એટલે કે ખાતર બિયારણની દુકાન ધરાવતા વેપારીના ભરોસે જોવા મળતા હોય છે અને બસ કાંઈક આ જ રીતે કરશનભાઈ પણ તેમના ગામ પાસે આવેલા પાંથાવાડા મુખ્ય બજારમાં આવેલ ગોકુળ એગ્રો સેન્ટર વાળા સહદેવભાઈના ભરોસે દવા લાવ્યા હતા અને પોતાના ખેતરમાં ઉપયોગમાં લીધી હતી.
આ તપાસ થાય તો અનેક હકિકતો સામે આવી શકે: ખેડૂતના ખેતરમાં પાકને થયેલ નુકસાન એ તપાસનો વિષય છે પરંતુ શું ખરેખર દાંતીવાડા તાલુકામાં જેટલા એગ્રો સેન્ટર આવેલા છે તે એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમાનો અભ્યાસ મેળવેલા લોકો ચલાવી રહ્યા છે ? બીજો સવાલ ખેડૂતને દુકાનદારે આપેલી બધી દવાઓના ક્વૉલિટી કંટ્રોલ દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે કે પછી એમજ પ્રોડક્ટ સેલ થઈ રહી છે ? અને આ બધી તપાસ ગોકુળ એગ્રો સેન્ટરમાં ખાસ થવી જરૂરી છે જેથી જો દવા ઉપયોગમાં લેવાતા બનાવ બન્યો હોય તો બીજા ખેડૂતોને આ પ્રકારના નુકસાનથી બચાવી શકાય.