પાલનપુરના વિકાસ નકશાનું અધ્ધરતાલ ભાવિ નગરના વિકાસ માટે અવરોધરૂપ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : એકબાજુ ભાજપના રાજમાં ગુજરાત ની મેટ્રો સિટીઓમાં ટી.પી.સ્કીમ મંજુર થાય છે. અને મહાનગરો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં પાલનપુરનો વિકાસ નકશો ૬ વર્ષે પણ મંજુર ન થતા વિકાસ નક્શાનું અધ્ધરતાલ ભાવિ પાલનપુરના વિકાસમાં પણ અવરોધ બની રહ્યું છે. સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય એવા નવાબી નગર પાલનપુરનો પણ સમયના બદલાતા જતા પ્રવાહ સાથે ચોમેરથી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વધતા જતા વિકાસની સાથે ટ્રાફિક સહિતની સમસ્યાઓ પણ નગરજનો ના લમણે લખાઈ આવી છે. ત્યારે પાલનપુરના હિતને ધ્યાને લઇ પાલનપુર ના ભાવિ વિકાસ માટે કોઈ અસરકારક કામગીરી થઈ રહી હોવાની પ્રતિતી પાલનપુરીઓને થઈ રહી નથી. પાલનપુરની બોદી નેતાગીરીના પાપે પાલનપુરની વર્ષોજુની સમસ્યા આજે પણ મોં વકાસીને ઉભી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ૨૦૧૪ થી આજદિન સુધી એટલે કે, છેલ્લા ૬ વર્ષથી પાલનપુરનો વિકાસ નકશો પણ વિવાદોમાં સપડાયો છે. જેને લઈને વિકાસ નકશો મંજુર ન થતા પાલનપુરનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાની રાવ ઉઠી છે. છેલ્લા ૬ વર્ષથી વ્યક્તિગત લાભાલાભ અને સત્તાની સાઠમારીમાં વિકાસ નકશો મંજૂર થતો નથી. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં શાસકોની અણઆવડતનો લાભ અધિકારીઓએ પણ ઉઠાવતા વિકાસ નકશાની હાલત કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી જેવી થઈ છે. વિકાસ નક્શાને નામે કરોડો રૂપિયા ખંખેરાયા બાદ પણ મંજુર ન કરાતા ભાજપની છબિ પણ ધુમિલ થઈ રહી છે. જેની સીધુ નુકસાન આવનારી પાલિકાની ચૂંટણી પર પણ પડી શકે છે. ત્યારે વિકાસ નકશાનું લટકતી તલવાર જેવું ભાવિ લોકોમાં ચર્ચાની એરણે ચડ્યું છે. વિકાસ નકશાના અધ્ધરતાલ ભાવિથી ચિંતિત બિલ્ડર એશોસીએશન દ્વારા બનાસકાંઠાના સંસદસભ્ય પરબતભાઇ પટેલ, માજી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દરબારમાં પણ રજૂઆત કરી સત્વરે વિકાસ નકશો બનાવી મંજુર કરવાની માંગ કરાઈ હતી. પરંતુ નગરપાલિકામાં પક્ષના પદાધિકારીઓ અને શાસકો વચ્ચેની આપસી ખેંચતાણમાં વિકાસ નકશો મંજુર થયો નથી. આમ, પાલનપુર નગરના વ્યાપક હિત સામે આંખ મિચામણા કરી વિકાસ નકશો મંજુર ન કરી સ્થાપિત હિતો પાલનપુરના હિતને ઠોકરે ચડાવી રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલનપુરનું હિત જેના હૈયે વસેલું હોય તેવી સ્વૈચ્છીક સંસ્થાઓ કે લબ્ધ પ્રતિષ્ઠિત અગ્રણીઓ આગળ આવે અને વિકાસ નક્શાનો વિવાદ ઉકેલે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલ, બિલ્ડર શૈલેષભાઇ જાેશી, ઉદ્યોગપતિ દિલસુખભાઈ અગ્રવાલ, જિલ્લા ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ અને જાણીતા એડવોકેટ યશવંતભાઈ બચાણી, પાટીદાર અગ્રણી મનુભાઈ પટેલ તેમજ જે.સી.પટેલ, ભાજપ અગ્રણી હિતેશભાઈ ચૌધરી જેવા અગ્રણીઓ પાલનપુર શહેરના આગામી ૨૫ વર્ષના વિકાસને ધ્યાનમાં લઈ વિકાસ નકશો બને તે માટે પ્રયાસ કરે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.