પાલનપુર નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ

બનાસકાંઠા
palanpur sevasadan
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં વિકાસ નકશા મામલે મોટાપાયે ગેરરીતિ આચરવાની સાથે ખાયકીનો ખેલ ભજવાયો હોવાના આક્ષેપો ખુદ શાસક પક્ષ સહીત ભાજપ સંગઠનમાં થી પણ થઇ રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષી દ્વારા વિકાસ નકશામાં થયેલી ગેરરીતિ મામલે પાલિકા પ્રમુખને પ્રમુખ પદે અને સભ્યપદેથી દૂર કરવાની લેખિત રજુઆત કરાતા પાલિકા સહીત ભાજપી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા ના વિકાસ નકશાની ગેરરીતિ બાબતે પાલિકાના નગરસેવક અમૃત દાઢીએ કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરની કોર્ટમાં ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૭ મુજબ પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોરને પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી દૂર કરવાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અમો લોકશાહી પ્રક્રિયાથી પ્રજા મત થી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ છીએ. પ્રમુખ અશોકભાઈ ઠાકોર દ્વારા દરેક સામાન્ય સભામાં એજન્ડા મુજબ ના કામોની કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી. કાગળો બતાવવામાં આવતા નથી ઠરાવો વંચાણે લેવામાં આવતા નથી. એક થી બે મિનિટમાં તમામ સામાન્ય સભાઓ ગેરકાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. પાછળથી ચેર તરફથી ખોટા ઠરાવો લખી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. જેમાં ધારા કન્સલ્ટન્સી સાથે કરવામાં આવેલ કરારમાં પેમેન્ટ ચુકવણીની શરતોમાં તબક્કા પ્રમાણે પેમેન્ટની ચૂકવણી કરવા માટે શરતો રાખવામાં આવેલ હતી શરતોમાં અ.નં ૩ મુજબ પ્રવર નગર નિયોજક ના પરામર્શ માટે રજુ કરેથી ૨૫ ટકા ફી ની રકમ ધારા કન્સલ્ટન્સી ને ચૂકવવા પાત્ર થાય તે પ્રમાણે ધારા કન્સલ્ટન્સીએ તારીખ ૦૫/૦૪/૨૦૧૮ ના રોજ બિલ બનાવી નગરપાલિકામાં તારીખ ૨૨/૦૫/ ૨૦૧૮ ના રોજ રજુ કરેલ હતુ તેથી ત્રીજા તબક્કા પ્રમાણે એજન્સીએ વિકાસ નકશો બનાવીને નગરપાલિકાને તારીખ ૨૨/૦૫/૨૦૧૮ ના રોજ આપી દીધો હતો. પરંતુ ૬૪ દિવસ પછી તારીખ ૨૬/૦૭/૨૦૧૮ ના રોજ ટાઉન પ્લાનીંગ સમિતિ ની બેઠક બોલાવી તેમાં નકશો મુકવામાં આવેલ વારંવાર નકશાઓ ખોટા બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ હોવાની રાવ રજુઆતમા કરાઇ છે. તેવા અનેક મુદ્દા જણાવાયા છે.
સામાન્ય સભામાં એજન્ડામાં વિકાસ નકશા બાબતનો ઠરાવ સામેલ ન કરી મસમોટુ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાની અને સત્તાનો દુરુપયોગ કરેલ હોવાનુ જણાવ્યું છે. આમ આ તમામ હકીકતોને ધ્યાને લઇ આપ પાલનપુર નગરપાલિકાના પ્રમુખને હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક કરેલ હોઇ નગર પાલિકાના પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી ગેરલાયક ઠરાવી સસ્પેન્ડ કરવા પાલિકા સદસ્ય અમૃત જોષીએ ઉપરોક્ત મુજબની રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.