પાલનપુર જન સેવા કેન્દ્ર બન્યું દુવિધા કેન્દ્ર : આધાર કાર્ડ અપડેટ કરાવવા અરજદારોનો ભારે ધસારો

બનાસકાંઠા
બનાસકાંઠા

તંત્રની અણઆવડતને કારણે વિદ્યાર્થીઓ-વાલીઓ ત્રાહિમામ; તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે એક તઘલખી ફરમાન જારી કરાયું છે. જેમાં શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ અપડેટ કરાવવાને લઈને પાલનપુર જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. જોકે, તંત્રની અણ આવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા 5 દિવસથી ધરમ ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે. ત્યારે જનસેવા કેન્દ્ર દુવિધા કેન્દ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

જોકે, કાળઝાળ ગરમી વચ્ચે જન સેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોઈ સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષા માથે હોવા છતાં અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહે છે. છતાં આધારકાર્ડ અપડેટ માટેનું ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોઇ ધરમધક્કા ખાતા હોઈ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, આ અંગે જવાબદાર અધિકારીઓએ એક બીજાને ખો આપતા કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

તંત્રના ઉદાસીન વલણ વચ્ચે દલાલોનું સામ્રાજ્ય: પાલનપુર જન સેવા કેન્દ્રમાં આધારકાર્ડ, આવકના દાખલા સહિતના કામ માટે હજારો અરજદારો આવે છે. જોકે, તંત્રના ઉદાસીન વલણ વચ્ચે જન સેવા કેન્દ્રમાં પડ્યા પાથર્યા રહેતા દલાલોનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોવાની રાવ ઉઠી છે. અરજદારો દલાલોના હાથે લૂંટાઈ રહ્યા હોવા છતાં તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું હોવાની પણ બુમરાણ મચી છે. ત્યારે જિલ્લા કલેકટર જન સેવા કેન્દ્રને દલાલોના સકંજા માંથી મુક્ત કરાવે તેવી માંગ ઉઠી છે.

કોંગ્રેસે પણ કરી રજુઆત: શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજીયાત કરાયું છે. જોકે, ગામડાઓમાં સુવિધા ન હોઈ છાત્રો અને વાલીઓને સમય શક્તિ અને નાણાં વેડફી પાલનપુર સુધી લાંબા થવું પડે છે. ત્યાં પણ લાંબી કતારોમાં ચાર પાંચ દિવસે પણ કામ થતું ન હોઈ વિદ્યાર્થીઓ નો સમય અને અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાથ સે હાથ જોડો અભિયાનના પ્રમુખ મયુર ડેરિયાએ પાલનપુર મામલતદારને લેખિત રજુઆત કરી આધારકાર્ડ અપડેટની પ્રક્રિયા જે-તે શાળામાં નિયત સમય મર્યાદામાં કરવામાં આવે તેવી માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.