
ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અંબાજીમાં દર્શન કર્યા
આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રદ્વાળુ મા અંબેના દર્શન માટે અંબાજી પહોંચ્યા છે. 6 દિવસમાં 5.70 કરોડથી વધુની આવક થઇ છે. અત્યાર સુધી 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. છઠ્ઠા દિવસે વધુ 8.9 લાખ ભક્તોએ દર્શન કર્યા છે.વિવિધ પ્રકારના સંઘ સાથે શ્રદ્વાળુઓ અંબાજી પહોંચ્યા છે. અંબાજીમાં શ્રદ્વા અને શક્તિના અનેરા દર્શન થયા છે. અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશભરમાંથી લોકો અંબાજીના દર્શને ઉમટ્યા છે. માં અંબેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે રસ્તા ગુંજી રહ્યાં છે’,ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. 14 દિવસની આકરી પદયાત્રા બાદ માઇભક્તો મા અંબામાં ચરણોમાં શીશ નમાવી રહ્યાં છે. ભક્તોને આવકારવા માટે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
માતાજીને શીશ ઝુકાવવા માટે માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંઘનુ અંબાજી તરફ પ્રયાણ ચાલું છે. ભાદરવી પૂનમના મેળામાં છઠ્ઠા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. 6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું. તેમજ 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ અને 2 હજારથી વધુ ધજાઓનું ધ્વજારોહણ થયું હતું.