
ભાભર નજીક લોડીંગ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત
ભાભર નજીક લોડીંગ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આમ ભાભર તાલુકાના ખારા ગામના શ્રવણ અમરતજી ઠાકોર લોડીંગ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. જેઓ આજ સવારે ખારાથી પોતાની રિક્ષા લઈ ભાભર તરફ આવતા હતા.
ત્યારે ભાભર-દિયોદર હાઇવે રોડ પર ભાભર નજીક બોરીયા પાટીયા પાસે સામેથી આવી રહેલ ટ્રેઈલર ટ્રક ચાલકના ગફલતભર્યા ડ્રાઈવિંગથી રિક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રિક્ષાચાલક શ્રવણ અમરતજી ઠાકોર ઉ.વ ૩૫નું ઘટના સ્થળે મોત થયુ હતું. જે અકસ્માતમાં ટ્રકને પણ નુકસાન થયું હતું. ભાભર-દિયોદર હાઇવે રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે વારંવાર અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થાય છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. આમ આ અઠવાડિયામાં બીજાે અકસ્માત સર્જાયો છે ત્યારે આ અંગે ભાભર પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.