Home / News / થરાદ પાસે મોટર સાયકલ અને જીપ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત
થરાદ પાસે મોટર સાયકલ અને જીપ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદથી ઉત્તરાયણ કરવા વતન વિસનગર જઇ રહેલા બે મોટર સાયકલ સવારોને ડીસા હાઇવે પર મંગળવારની સવારના સુમારે એક જીપચાલકે હડફેટે લઇને ટક્કર મારી હતી. આથી એકનું સ્થળ પર જ કરુણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ય માહિતી મુજબ મંગળવારની સવારના સુમારે થરાદમાં ધંધો કરતા બે વ્યક્તિઓ મોટરસાયકલ પર ઉત્તરાયણ કરવા માટે ઘેર થરાદ થી વિસનગર જતા હતા. જેમને થરાદ ડીસા હાઇવે પર આવેલા મલુપુર ગામના પાટીયા પાસે પુરઝડપે આવેલા જીપચાલકે ટક્કર મારી હતી. આથી બે પૈકી ઠાકોર નરેશજી સરદારજી ઉમર વર્ષ ૨૬ (પરણીત)નું સ્થળ પર જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે રાજુભાઈ કરણસિંહ ઠાકોર ઉમર વર્ષ ૧૬ ને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે હાઇવે રોડ ઉપર ટ્રાફિકજામ થવા પામ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. આ બનાવની જાણ કરાતાં મૃતકના સ્વજનો થરાદની સરકારી હોસ્પીટલમાં દોડી આવ્યા હતા. જીપચાલકની ઘોર બેદરકારીને લીધે અક્સ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક જીપ મુકી ફરાર થઇ ગયો હતો. જાે કે આ બનાવ અંગે મોડી સાંજ સુધીમાં કોઇ ફરિયાદ નોંધાવા પામી ન હતી. પોલીસસુત્રોએ આ બનાવમાં સમાધાન થઇ ગયું હોવાનું જણાવ્યું હતું.