પાલનપુરમાં કોંગ્રેસ આંદોલનના માર્ગે : કોંગ્રેસે બાયપાસ રદ કરી બ્રિજ બનાવવાની કરી માંગ
ખેડૂતોના હકની લડાઈ કોંગ્રેસ લડશે:-અમિત ચાવડા
પાલનપુર બાયપાસ સામેના આંદોલને રાજકીય રંગ ધારણ કર્યો: બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરની ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને મંજુર થયેલા બાયપાસ સામે હવે કોંગ્રેસે આંદોલન છેડયું છે. આજે વિપક્ષ ના નેતા અમિત ચાવડાની આગેવાની તળે કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતો સાથે રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બાયપાસ રદ કરી બ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી.
પાલનપુરમાં ટ્રાફિકની વકરતી જતી સમસ્યાના હલ માટે સરકાર દ્વારા સોનગઢથી જગાણા ગામ સુધીનો 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજુર કરાયો છે. જેમાં વધુ પડતા જમીન સંપાદન થી અનેક ગામોના ખેડૂતો જમીન વિહોણા બને છે. ત્યારે જમીન વિહોણા બનતા ખેડૂતોને અન્ય જગ્યાએ જમીન આપવા, જમીન સંપાદનમાં કપાઈ જતા બોર બનાવી આપવા, બજાર ભાવે વળતર આપવા સહિતની માંગણી ઓને લઈને ખેડૂતો બાયપાસ સામે વિરોધ જતાવી રહ્યા છે. જેમાં આજે કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે.
કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની માં કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે રેલી યોજી અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની માંગ કરાઈ હતી. જોકે, ખેડૂતોની માંગ નહિ સ્વીકારાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ સહિત કોંગી કાર્યકરો અને અસરગ્રસ્ત ખેડૂત ભાઈ – બહેનો જોડાયા હતા.આમ, પાલનપુરના બાયપાસ સામે ના આંદોલને રાજકીય રંગ ધારણ કરતા મામલો વધુ ગરમાયો છે.
બાયપાસ રદ કરી બ્રિજ બનાવવાની માંગ: વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પાલનપુરની ટ્રાફિકની સમસ્યાના હલ માટે બનનારા બાયપાસ સામે કોઈનો વિરોધ હોઈ શકે નહીં. પરંતુ ખેડૂતોના હિતને કોરાણે મૂકી વિકાસ નહિ પણ વિનાશ નોતરતા બાયપાસ પ્રોજકેટને પડતો મૂકી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની માંગ કરી હતી.
કોંગ્રેસ ખેડૂતોના હકની લડાઈ લડશે: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ટ્રાફિક સમસ્યા માટે બ્રિજ બનાવવાની માંગ કરી હતી. તેઓએ બાયપાસ બનાવવો હોય તો ખેડૂતોને વિશ્વાસમાં લેવાની અને તેઓની સાથે પરામર્શ કરવાની માંગ કરતા કોંગ્રેસ ખેડૂતોના હકની લડાઈ લડશે તેવો દાવો કર્યો હતો. તેઓએ ભાજપ સરકારને ખેડૂતોની હાય નહિ લેવાની સલાહ આપી હતી.