
અંબાજીમાં શરદપૂનમ નિમિત્તે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું
આસો સુદ પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. શરદપૂર્ણિમામાં ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને કારણે યાત્રિકોનો ભારે મેળાવડો જાેવા મળ્યો હતો. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ઉમટી પડ્યા હતા.શરદપૂર્ણિમાની રાત્રે દૂધ-પૌંઆનું પણ વિશેષ મહત્વ રહે છે. આજે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગઈ રાત્રે અંબાજી મંદિરમાં ચંદ્રના કિરણોમાં ચાંદીના પાત્રમાં દૂધપૌંઆ મૂકીને માતાજીને ધરવામાં આવ્યા હતા. જે બાદ માતાજીને રાત્રીના ૧૨ કલાકે કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આજે શરદપૂર્ણિમા હોવાના લીધે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આસો સુદ પૂનમ જે શરદપૂર્ણિમા તરીકે ઓળખાય છે. આજે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિરમાં માતાજીની આરતી વહેલી સવારે ૬ઃ૦૦ કલાકે કરવામાં આવી હતી. તો બપોરે માતાજીને ૧૨ઃ૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજની આરતી ૩ઃ૦૦ કલાકે કરવામાં આવશે.