પ્રથમ નવરાત્રીએ શક્તિ સ્વરૂપ ૩૧૮૯ વિધવા બહેનોને વહીવટી તંત્ર દ્વારા સહાય

બનાસકાંઠા
બનાસકાંઠા 61

રખેવાળ ન્યુઝ પાલનપુર : આધશક્તિ મા અંબાના નવલા નોરતાની શરૂઆત થઇ ગઇ છે. ભક્તિ અને શક્તિના આ ઉપાસનાના પર્વ નિમિત્તે નવરાત્રિના પ્રથમ નોરતે શક્તિ સ્વરૂપા વિધવા બહેનોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભેટ સ્વરૂપે વિધવા સહાયના હુકમો આપવામાં આવ્યા છે. એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ૩,૧૮૯ વિધવા બહેનોને જિલ્લાની તમામ ૧૪ મામલતદાર કચેરીઓ તથા ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રીઓના હસ્તે વિધવા સહાયના હુકમો આપવામાં આવ્યા હતાં.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જિલ્લાનું સુકાન સંભાળતાની સાથે આગવી પહેલ કરી વિધવા બહેનો અને અનાથ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાના આશયથી નવી ઝુંબેશ શરૂ કરી છે. કલેકટરશ્રીએ થોડાક દિવસો પહેલાં તલાટી મંડળના મિત્રો સાથે બેઠક યોજી વિધવા મહિલાઓને તેમના લાભો સરળતાથી મળે તે માટે તલાટી અને સ્થાનિક અધિકારીઓને વિધવા સહાય આપવા ઝુંબેશ ચલાવવા જણાવ્યું હતું.
જેના ભાગરૂપે નવરાત્રિના પ્રથમ નોરતે સમગ્ર જિલ્લામાં ૩,૧૮૯ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમો આપવામાં આવ્યા હતાં. કલેકટરશ્રીના આ અભિગમથી ૩,૧૮૯ વિધવા બહેનોને હવે દર મહિને રૂ.૧,૨૫૦ ની સહાય મળશે. આમ વિધવા સહાયના હુકમ આપવામાં આવતા રાજય સરકાર દ્વારા તેમને વાર્ષિક રૂ.૧૫,૦૦૦ની સહાય મળશે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર ગરીબો, વંચિતો અને છેવાડાના માનવીના વિકાસ માટે સતત સંકલ્પબધ્ધ છે ત્યારે વિધવા બહેનોને તેમની દુઃખની ઘડીમાં થોડી વધારે મદદ મળી રહે તે માટે સહાયની રકમ વધારી રૂ.૧૨૫૦ કરી છે. આ ઉપરાંત વિધવા બહેનનો પુત્ર ૨૧ વર્ષનો થાય પછી તેમને લાભ આપવાનો બંધ કરી દેવામાં આવતો હતો તે જોગવાઇને પણ રદ કરવામાં આવી છે એટલે હવે વિધવા બહેનોને આજીવન આ સહાયની રકમ મળશે. જે બહેનના પતિનું અવસાન થયું હોય અને તેની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ હોય તથા પુનઃ લગ્ન ન કર્યા હોય તેવી બહેનો માટે રાજય સરકારની નિરાધાર વિધવા સહાય યોજના સંકટના સમયમાં આશીર્વાદરૂપ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પ્રથમ નોરતા તા.૧૭/૧૦/૨૦૨૦, શનિવાર રોજ આપવામાં આવેલા વિધવા સહાયના હુકમોની વિગત આ પ્રમાણે છે. વડગામ-૨૪૬, અમીરગઢ-૧૦૫, દાંતા-૨૬૬, પાલનપુર-૩૦૦, લાખણી-૧૦૦, ભાભર-૧૧૭, ડીસા-૬૧૬, દિયોદર-૯૦, કાંકરેજ-૨૪૦, સૂઇગામ-૧૪૦, થરાદ-૪૪૦, દાંતીવાડા-૧૦૮, વાવ-૧૨૬ અને ધાનેરા તાલુકામાં-૨૯૫ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમો આપવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.