
ડીસા વાસીઓ દશેરાના દિવસે 5 હજાર કિલો જલેબી-ફાફડા ઝાપટી ગયા
ડીસામાં આજે દશેરા નિમિત્તે ફાફડા-જલેબીના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દશેરાના દિવસે લોકોએ 5000 કિલોથી વધુ ફાફડા અને જલેબીની લહેજત માણી ઉજવણી કરી હતી.દશેરા એટલે કે વિજયાદશમીના પવિત્ર દિવસને મા શક્તિના વિજયદિન અને રાવણ દહન દિન બાદ ગુજરાતીઓએ તેને ફાફડા જલેબીનો ઉત્સવ તરીકે મનાવતા હોય તે રીતે દશેરાએ ફાફડા જલેબી અચૂક ખાવા જોઈએ તેવું દરેક ગુજરાતીઓ માનતા થયા છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં દશેરાએ ફાફડા અને જલેબી ખાવાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે દશેરાએ ફાફડા જલેબીનું વિતરણ કરવા માટે ફરસાણના વેપારીઓ દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ડીસામાં દશેરાના દિને ફાફડા-જલેબી લેવા માટે ફરસાણ વેચતા વેપારીઓને ત્યાં મોટી સંખ્યામાં લાઈનો લાગી હતી. ગત વર્ષ કરતા ફાફડા અને જલેબીના ભાવમાં આ વર્ષે કિલોએ રૂ. 10નો વધારો કરવામાં આવ્યો હતો. ફાફડા રૂ. 400એ કિલો તેમજ તેલની જલેબી 250 રૂપિયે અને શુદ્ધ ઘીની જલેબી 500 રૂપિયા કિલોના ભાવે વચાઈ હતી. ડીસાના લોકોએ અંદાજિત 5000 કિલોથી વધુ ફાફડા જલેબી સાથે સાથે ખમણ, પાતરા, ચોળાફળીની લહેજત માણી હતી.