પાલનપુર નગરપાલિકા દ્વારા 60 જેટલા વ્યવસાય વેરા ધારકોને નોટીસ : રૂ.1 કરોડ 20 લાખની વસૂલાત બાકી
પાલનપુર નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરી 60 ઉપરાંતના ધારકોને નોટિસો આપી તેમની પાસેથી વેરો વસુલાત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા રૂ.2.39 કરોડ જેટલો વેરો વસૂલવામાં આવ્યો છે.
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી પાલિકાના વ્યવસાય વેરા શાખા દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં ગત વર્ષે 2 કરોડ 39 લાખ જેટલી રકમની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ બાકી રહેલી અંદાજિત રૂપિયા 1 કરોડ 20 લાખ માટે વસુલાત ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે.
વ્યવસાય વેરા અધિકારી કમલેશભાઈ દ્રિવેદીએ જણાવ્યું હતું કે નગરપાલિકા વ્યવસાય વેરા શાખામાં કુલ 9,200 જેટલા વ્યવસાય વેરા ધારકો નોંધાયેલા છે. જેમાં ગત વર્ષે કુલ રૂપિયા 2 કરોડ 39 લાખની વસૂલાત કરવામાં આવી હતી તેમજ અત્યારે 1 કરોડ 20 લાખ જેટલી વસૂલાત બાકી છે. જેથી અત્યારે 60 જેટલા વ્યવસાય વેરા ધારકોને નોટિસો આપી વેરો ભરવા તાકીદ કરાઈ છે. તેમજ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વ્યવસાય વેરો ભરનારને વાર્ષિક વ્યવસાય વેરા તેમજ ચાલુ વેરાનું વ્યાજ લાગશે નહીં પરંતુ 30 સપ્ટેમ્બર પછી વ્યવસાય વેરો ભરવામાં આવશે તો તેની પાસેથી પાછલી બાકી, ચાલુ બાકી તેનું વ્યાજ દંડ સાથે વસુલ કરવામાં આવશે.
તેમજ જે લોકોએ પોતાના વ્યવસાયને પાલિકામાં નોંધાયા નથી તેવા વ્યવસાય વેરા ધારકોએ પોતાની નોંધણી કરાવવાની રહેશે. તેમજ જે લોકોને વેરો ભરવાનો બાકી છે તેવા લોકોએ સમય મર્યાદામાં પોતાનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાનો રહેશે. જો સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેમની મિલકતો સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.